સ્પોટીફાય પર 15 નવેમ્બરના રોજ વિશ્વભરમાં રિલીઝ થયેલો હિન્દી ઓડિયો થ્રિલર શો ‘ગૅન્ગિસ્તાન’, મુંબઈના અંડરવર્લ્ડની અણકહી વાર્તા
- આ હિન્દી ક્રાઈમ ઓડિયો થ્રિલરમાં પ્રતીક ગાંધી, સૈયામી ખેર અને દયાશંકર પાંડે મુખ્ય ભૂમિકામાં છે.
- શો મુંબઈ અને તેના અંડરવર્લ્ડની સત્ય ઘટનાઓ પર આધારિત છે.
- ગૅન્ગિસ્તાન એક પોડકાસ્ટ શો છે જે ભારતની વિકસતી ઓડિયો ઈન્ડસ્ટ્રીના વર્તમાન ધોરણોને પડકારવા માટે તૈયાર છે અને અનન્ય ટેક્નિક્સ સાથે રેકોર્ડ કરવામાં આવ્યો છે.
- શો તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યો છે સ્પોટીફાય પર, જે વિશ્વના સૌથી મોટા પોડકાસ્ટ પ્લેટફોર્મ્સમાંનું એક છે. તેને ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યાં છે.
પ્રખ્યાત વેબ સિરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાની ભૂમિકા નિભાવવા માટે જાણીતા અભિનેતા પ્રતિક ગાંધી હવે સ્પોટીફાયના નવા પોડકાસ્ટ ‘ગૅન્ગિસ્તાન’માં પત્રકાર આશુ પટેલ તરીકે વધુ એક રિયલ લાઈફ પાત્ર ભજવી રહ્યા છે.
પત્રકાર આશુ પટેલના જીવન, સંશોધન અને તપાસની સાચી ઘટનાઓ પર આધારિત, આ ફિક્શનલ પોડકાસ્ટમાં મુંબઈના અંડરવર્લ્ડ વિશે કેટલીય અજાણી ઘટનાઓનો ખજાનો છે.
48 એપિસોડ્સમાં રહસ્ય અને ઇતિહાસના પરફેક્ટ મિશ્રણ અને વધુ સીઝનની સંભાવના સાથે, આ ખરો ક્રાઈમ પોડકાસ્ટ તેના ત્રણ મુખ્ય પાત્રોના ત્રણ અલગ અલગ પરિપ્રેક્ષ્યો (સંતુલિત દૃષ્ટિકોણ માટે) દ્વારા મુંબઈની અંડરબેલીની ગાથા જણાવે છે. આ ત્રણ મુખ્ય પાત્રો એટલે પ્રતિક ગાંધી દ્વારા ભજવવામાં આવેલ પત્રકાર આશુ પટેલ, સૈયામી ખેર દ્વારા ભજવવામાં આવેલ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઇન્સ્પેક્ટર શિવાની વિદ્યા અબ્બાસ સાવંત અને ગેંગસ્ટર પપ્પુ ટકલાનું ભૂત, જે દયાશંકર પાંડે દ્વારા ભજવવામાં આવ્યું છે.
ગૅન્ગિસ્તાન વિશે વાત કરતા એક્ટર પ્રતિક ગાંધી કહે છે, “ગૅન્ગિસ્તાન મારા માટે ખાસ છે કારણ કે એ મારી પ્રથમ ઓડિયો સિરીઝ છે. આશુભાઈનું પાત્ર ભજવવું મારા માટે થોડું સરળ હતું કારણ કે હું આશુ પટેલને ઘણા વર્ષોથી ઓળખું છું. જટિલ લાગણીઓ અને રસપ્રદ પરિસ્થિતિઓમાં મારી જાતને ડૂબાડવી એ એક મજા હતી. હું નાયકની મહત્ત્વકાંક્ષા સાથે સ્વાભાવિક રીતે જ જોડાઈ શક્યો હતો અને ભૂમિકા ભજવવા માટે માત્ર મારા અવાજનો ઉપયોગ કરવાના પડકારનો મેં મેં પૂરો આનંદ માણ્યો હતો. ગૅન્ગિસ્તાન તમને તમારું પોતાનું વિઝ્યુઅલ અર્થઘટન બનાવવા દે છે જે મને લાગે છે કે ઓડિયોની જ એક તાકાત છે. મજાની વાત એ છે કે ઑફસ્પિન ટીમ સાથે તેને રેકોર્ડ કરતી વખતે, અમે માત્ર માઈકની સામે ઊભા રહીને બોલ્યા જ નથી. અમે સ્ક્રિપ્ટમાંથી પરિસ્થિતિઓને ફરીથી બનાવી છે, દા.ત. સ્ટુડિયોમાં સૈયામી સૂતી હોય અને હું તેની બાજુમાં બેઠો હોઉં તેવું એક હોસ્પિટલનું દ્રશ્ય. અરે! કેટલાક એન્કાઉન્ટરના દ્રશ્યો માટે તો કલાકારો સ્ટુડિયોમાં દોડ્યા પણ છે.”
પત્રકાર આશુ પટેલ માટે આ એક નોસ્ટાલ્જિક શો છે. તેઓ કહે છે, “ઑડિયોમાં કલમની તાકાત જેવી જ અપીલ છે. એ અર્થમાં કે શબ્દોને વિઝ્યુઅલાઈઝ કરવાનું કામ પ્રેક્ષકોની કલ્પના પર છોડી દેવામાં આવે છે. હીર ખાંટ સાથે ગૅન્ગિસ્તાન લખતી વખતે મારા પત્રકારત્વના દિવસોની ઘણી યાદો તાજી થઈ ગઈ. આ ખરેખર એક ભવ્ય વાર્તા છે, જે ઘણા દાયકાઓની ભવ્ય ટાઈમલાઈન પર છે અને કાલ્પનિક અને બિન-કાલ્પનિક બંને પ્રકાર આવરી લે છે. ઓડિયો સ્પેસમાં આ પહેલા ક્યારેય આવું કશું કરવામાં આવ્યું નથી.”
આશુ પટેલ 2019માં રિલીઝ થયેલી, જયંત ગીલાટર દિગ્દર્શિત અને ડેઈઝી શાહ, પ્રતીક ગાંધી, કવિન દવે, ચેતન દૈયા અભિનિત ‘ગુજરાત 11’ (ગુજરાત ઈલેવન) ફિલ્મના પણ ક્રિએટિવ પ્રોડ્યુસર હતા. ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત બોલીવુડ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા આશુ પટેલની અંગ્રેજી બુક ‘મૅડમ એક્સ’ પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. આશુ પટેલ અનેક નામાંકિત ગુજરાતી પબ્લિકેશન્સમાં એડિટર રહી ચૂક્યા છે અને અત્યાર સુધી તેમના 52 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
1960, 1980 અને વર્તમાન જેવા વિવિધ સમયગાળામાં ફેલાયેલી ગૅન્ગિસ્તાનની વાર્તા મુંબઈના ડોન, તેમની ગેંગ, તેમની કુખ્યાત કામગીરીઓ અને મુંબઈના લોકો પર તેની અસર આવરી લેતી છતાં ક્રાઈમની દુનિયાને ગ્લોરીફાય કર્યા વિના કહેવાયેલી એક રસપ્રદ વાર્તા છે. આ હિન્દી ઑડિયો થ્રિલર શો 15 નવેમ્બરે સ્પોટીફાય પર લૉન્ચ કરવામાં આવ્યો છે અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિદ્ધાંત પિન્ટોનું દિગ્દર્શન, આશુ પટેલની વાર્તા અને હીર ખાંટનું લેખન પોડકાસ્ટને એવા સ્તરે પહોંચાડે છે જ્યાં ઓડિયો અગાઉ ક્યારેય પહોંચ્યું નથી.
ડિરેક્ટર સિદ્ધાંત પિન્ટો કહે છે, “2001 થી ભારતીય ઑડિયો ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી આખરે હવે મને લાગે છે કે અમે ઑડિયોની સાચી શક્તિ સુધી પહોંચ્યા છીએ. આ પ્રોજેક્ટને એક વર્ષથી વધુ સમય લાગ્યો છે, અને એ દરમિયાન દરેક મિનિટે અમે મજાથી કામ કર્યું છે!”
‘મિર્ઝિયા’ ફિલ્મ અને ‘સ્પેશિયલ ઓપ્સ’ જેવી વેબસિરિઝથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી સૈયામી ખેર ‘ગૅન્ગિસ્તાન’માં જાંબાઝ એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ શિવાની સાવંતનું પાત્ર ભજવી રહી છે. સૈયામી કહે છે, “હું આ પ્રોજેક્ટનો ભાગ બનીને ખૂબ જ ઉત્સાહિત છું. આ એક નવું માધ્યમ છે અને તેમાં ઘણું નવું શીખવા જેવું છે. શોનું લેખન સુંદર છે અને તમને સાંભળતી વખતે જકડી રાખે છે. હું પ્રતિકના કામની ખૂબ પ્રશંસા કરું છું. તે જે કરે છે એ એટલું ખંતથી કરે છે અને એમાં ડૂબી જાય છે કે તે સહ-અભિનેતાઓ માટે કામ વધુ સરળ બનાવી દે છે. ખરેખર આશા છે કે હું તેની સાથે ફરી કામ કરી શકું.”
ટીવી ધારાવાહિકોમાં શનિદેવ અને ચાલુ પાંડેના પાત્રથી પ્રખ્યાત બનેલા, ‘સ્વદેશ’, ‘લગાન’, ‘ગંગાજલ’ જેવી ડઝનબંધ ફિલ્મ્સમાં અભિનય કરી ચૂકેલા અભિનેતા દયાશંકર પાંડે આ શૉમાં ગૅન્ગસ્ટર પપ્પુ ટકલાનું પાત્ર કરી રહ્યા છે. તેઓ આશુ પટેલના અંગત મિત્ર પણ છે. તેઓ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે, “ગૅન્ગિસ્તાન એવો અનુભવ રહ્યો છે જેની મેં કલ્પના પણ કરી ન હતી. હું અત્યંત ઉત્સાહી છું. આ શોમાં પર્ફોર્મ કરવા અને માત્ર મારા અવાજથી હું શું કરી શકયો એ પરખવા માટે ખૂબ જ ઈચ્છુક છું. પપ્પુનું પાત્ર ભજવવું એ ખરેખર આનંદદાયક હતું – એક ગેંગસ્ટરનું ભૂત જે એક સામાન્ય માણસ પણ છે! મને લાગે છે કે શ્રોતાઓ આ પાત્રના પ્રેમમાં પડી જશે.”
ગૅન્ગિસ્તાનના લેખક અને શોના ક્રિએટિવ પ્રોડ્યુસર હીર ખાંટ કહે છે, “ગૅન્ગિસ્તાન કલમની તાકાત અને કેવી રીતે એ તાકાત કાયમી પરિવર્તન લાવી શકે તેના વિશે છે. એ લખતી વખતે હું ઘણીવાર મુંબઈ અને તેના અંડરવર્લ્ડની વાર્તાઓમાં ડૂબી ગઈ છું. એટલી બધી કે એ જલ્દી જ મારા માટે મલ્ટિવર્સ બની ગઈ. ગૅન્ગિસ્તાન માત્ર એક વાર્તા કે શો નથી, એ પોતાનામાં જ એક દુનિયા છે જેને સમજવા માટે તમારે આ શો સાંભળવો પડશે.”
અનંત કૃષ્ણનના સંગીત અને અગ્રણી ઓડિયો કન્ટેન્ટ કંપની, ઓફસ્પિન મીડિયા ફ્રેન્ડ્સના નિર્માણે હવે ભારતના વિકસતા ઓડિયો ઉદ્યોગની ટોચમર્યાદા વટાવી દીધી છે. ઑડિયો વ્યવસાયમાં 17 વર્ષથી વધુ સમયથી ઑફસ્પિન કાર્યરત છે, અને એ ભારતીય ઑડિયો સ્પેસમાં તેની નવીનતા માટે જાણીતું છે. આ નિર્માણ કંપનીએ વિવિધ શૈલીઓમાં 15 થી વધુ ઑડિયો શો અને અસંખ્ય ઑડિયોબુક્સ બનાવ્યાં છે. આ શોમાં ભારતના વિવિધ ભાગો અને વિવિધ અભિનય પૃષ્ઠભૂમિના 20 થી વધુ કલાકારો પણ છે.
દર સોમવારે રિલીઝ થતા બે નવા એપિસોડ સાથે, આ લાર્જર-ધેન-લાઇફ શો સૌ માટે અભૂતપૂર્વ રસ પેદા કરી રહ્યો છે. ગેંગ વોર, દુશ્મનાવટ, રક્તપાત, રાજકારણ, આમ આદમી, સેક્સ, રોમાંસ, વિશ્વાસઘાત, ગ્લેમર અને સૌથી અગત્યનું- શાંતિની શોધ એ ગૅન્ગિસ્તાનના કેટલાક શેડ્સ છે. આ શૉ સપોટીફાય પર ફ્રીમાં સાંભળવા માટે આ લિન્ક પર ક્લિક કરો: http://spoti.fi/Gangistan. નવા એપિસોડ્સ માટે શો પેજ પર બેલ આઇકોનને દબાવો.