Adelaide : ગુજરાતી પરિવાર પર આવી પડેલી આપત્તિથી સમાજમાં ઘેરા શોકની લાગણી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
એડિલેડમાં (Adealaide) એક ગોઝારી ઘટના સામે આવી છે જે દરેક માતા-પિતા માટે આંખ ઉગાડતી પણ ઘટના ગણવામાં આવી રહી છે. 4 વર્ષની બાળકીનું ઘરની પાછળ આવેલા કોમ્યુનલ સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયું છે. એડિલેડના ક્લેમઝિંગ ખાતે પ્રાઇઝ એવન્યુમાં સવારે 10.20 કલાકે ઇમર્જન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી, જેમાં ક્રેયા પટેલ નામની ચાર વર્ષની બાળકીને સ્વિમિંગ પૂલના પાણીમાંથી બહાર લાવવામાં આવી હતી.
ક્રેયા બોલી શકતી ન હતી અને જ્યારે આ ઘટના ઘટી ત્યારે તે તેના પિતા સાથે ઘરે એકલી હતી અને તે ક્યારે સ્વિમિંગ પૂલ પાસે પહોંચી તેની કોઇને જાણ થઇ નહતી. આ ઘટના બની ત્યારે ક્રેયાની માતા જોબ પર હતા. જ્યારે ક્રેયાને સ્વિમિંગ પૂલમાંથી બહાર લાવવામાં આવી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી. તેને પેરામેડિક્સ દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
પાડોશી પૂજા રાનીએ 7NEWSને જણાવ્યું કે બાળકીની માતા ઘરે આવી ત્યારે તેણે ચીસો સાંભળી હતી. “હું બહાર ઉભી હતી અને મેં તેની જોઇ હતી. તે રસ્તા પર દોડી રહી હતી અને તે ખૂબ જોરથી રડી રહી હતી. પછી મેં તેણીને પૂછવાનો પ્રયાસ કર્યો કે બધું બરાબર છે કે કેમ, પરંતુ તેણીએ જવાબ આપ્યો નહીં કારણ કે તે ખરેખર અસ્વસ્થ હતી”. જ્યારે મને સમગ્ર ઘટના વિશે જાણ થઇ ત્યારે ઘણો જ આઘાત લાગ્યો હતો.
હાલ બાળકીના મૃત્યુની કોરોનિયલ તપાસ શરૂ કરવામાં આવી હોવાથી પૂલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે કોઈ શંકાસ્પદ સંજોગો નથી જણાઇ રહ્યા. જોકે સ્વિમિંગ પૂલનો ગેટ અજાણતાથી ખુલ્લો રહી ગયો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે દરેકના મનમાં એક જ સવાલ થઇ રહ્યો છે કે આખરે ક્રેયા કોમ્યુનિલ સ્વિમિંગ પૂલ પાસે પહોંચી કેવી રીતે ? નોંધનીય છે કે આ સ્વમિંગ પૂલ તમામ યુનિટ વચ્ચે કોમન હતો. જેથી કોણે સ્વિમિંગ પુલમાં જવાનો દરવાજો ખુલ્લો મૂક્યો હતો તે દિશા તરફ પોલીસ તપાસ આગળ વધી રહી છે.