અદાણી ગ્રૂપ ભારતમાં મળેલી આઈપીએલ નિષ્ફળતા બાદ UAE T20 લીગમાં ટીમ ખરીદવાની નજીક

કેતન જોષી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
અદાણી ગ્રૂપ ફરી એકવાર ક્રિકેટ ફ્રેન્ચાઇઝી લાવવા માટે તૈયારી કરી રહ્યું છે.   અમદાવાદ સ્થિત બિઝનેસ હાઉસ, જેણે ઓક્ટોબરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં અમદાવાદ ટીમ માટે અસફળ બિડ કરી હતી, તે ટ્વેન્ટી20 લીગમાં ફરી એકવાર નસીબ અજમાવવા માંગે છે. અદાણી જૂથ  યુએઈમાં અમીરાત ક્રિકેટ બોર્ડ (ઈસીબી) દ્વારા આયોજિત લીગમાં ફ્રેંચાઈઝી માટે આયોજન કરી રહ્યું છે.

અદાણીની સાથે અંબાણી તથા શાહરુખ ખાન પણ ટીમ ખરીદશે
ગ્રૂપ હેડ ગૌતમ અદાણી, જેમને તાજેતરમાં સૌથી ધનિક એશિયન જાહેર કરવામાં આવ્યા હતા, તેઓ વધુ એકવાર ક્રિકેટ ટીમ ખરીદવા દિલચસ્પી ધરાવે છે. યુએઈ t20 લીગમાં અદાણીની સાથે  રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી, બોલિવૂડના શાહરૂખ ખાન, GMRના કિરણ કુમાર ગ્રંથી અને EPL ક્લબની માલિકી ધરાવતા ગ્લેઝર પરિવારનો સમાવેશ થાય છે. જ્યારે આ છ ટીમોની લીગના છઠ્ઠા સભ્ય તરીકે  રાજેશ શર્માનું નામ બહાર આવ્યું છે, જે દુબઈ સ્થિત કેપ્રી ગ્લોબલ કંપનીના માલિક છે.

ECB એ ગૌતમ અદાણી સાથે કરી વાતચીત
અદાણી જૂથના નજીકના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે પક્ષકારો વચ્ચે વાટાઘાટો અગ્રિમ તબક્કામાં છે. જોકે ECB અધિકારીઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, અદાણી જૂથના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે લગભગ એક અઠવાડિયામાં કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. ECB એ ગૌતમ અદાણી સાથે સીધી વાત કરી હતી અને કરારના ડોક્યુમેન્ટ્સ મોકલી પણ આપ્યા છે. ECBને આશા છે કે સહી કરેલા કાગળો લગભગ એક અઠવાડિયામાં પરત મળીજશે.

કોની કોની સાથે કરી હતી ચર્ચા?
ECB, અગાઉ અહેવાલ મુજબ, છઠ્ઠી ટીમ માટે IPLની રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સ સહિત કેટલાક પક્ષો સાથે વાટાઘાટો કરી હતી. તેઓ ઇંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તેમજ બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સ ટીમ સાથે પણ વાતચીત કરી રહ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે, નવી લીગના ત્રણ માલિકો આઈપીએલ ફ્રેન્ચાઈઝી માટે ઈચ્છુક હતા અને અન્ય ત્રણ મૂળ આઈપીએલ માલિકો છે જેઓએ IPL ટીમો માટે 25 ઓક્ટોબરે ટીમની હરાજી યોજાઈ હતી તેમાં ભાગ લીધો હતો. અમદાવાદ ફ્રેન્ચાઇઝી માટે રૂ. 5100 કરોડની ત્રીજી સૌથી ઊંચી બિડ (RPSG અને CVC પછી) કરનાર અદાણી ગ્રૂપ ઉપરાંત, કેપ્રી ગ્લોબલે રૂ. 4202 કરોડની બિડ લગાવી હતી અને લેન્સર કેપિટલની બિડ રૂ. 4128.65ની હરાજીમાં હતી.

આઈપીએલને પગલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ના યોજાઇ લીગ
પ્રારંભિક આયોજન મુજબ, લીગ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાવાની હતી પરંતુ IPL હરાજી અને હિતધારકોની અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે આયોજકો તેને પાછી ખેંચી શક્યા ન હતા. હાલમાં, ECB જૂન-જુલાઈમાં વિન્ડોની શોધ કરી રહી છે પરંતુ ખેલાડીઓની ઉપલબ્ધતા પર પ્રશ્નો રહી શકે છે.