રિયલ એસ્ટેટ ડેવલપર હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને ખરીદવા માટે 16 કંપનીઓ વેચ્ચે સ્પર્ધા

ગૌતમ અદાણી જૂથની કંપની નાદાર થઈ ગયેલા રિયલ એસ્ટેટ ડેવલપર હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL)ને ટેકઓવર કરી શકે છે. અદાણી ગ્રૂપે હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ HDILનો સ્ટોક આ સમાચારથી રોકેટની જેમ દોડ્યો છે. માર્ચમાં એવો અહેવાલ આવ્યો હતો કે ગૌતમ અદાણીની કંપની અદાણી પ્રોપર્ટીઝ સહિત કુલ આઠ કંપનીઓ HDIL ખરીદવાની રેસમાં છે. તે સમયે, આ કંપનીમાં સતત ત્રણ અઠવાડિયા સુધી અપર સર્કિટ લગાવવામાં આવી હતી. હાલ અમેરિકન શેર માર્કેટની અસર ભારતીય શેર બજારમાં પડી રહી હોવા છતાં પણ HDILના શેરમાં તેજી જોવા મળી છે.

માર્ચ મહિનામાં જ HDILનો શેર રૂ. 9.30ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ ગયો હતો. ત્યાર બાદ આ સ્ટૉકમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત કેટલાય દિવસો સુધી ચાલુ રહ્યો હતો. શેરબજારમાં પણ ઘટાડાથી આ શેરનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું. પરંતુ હવે છેલ્લા ચાર દિવસથી સતત અપર સર્કિટ લાગી રહી છે. 19 મેના રોજ, શેર 5 ટકાના ઉછાળા સાથે રૂ. 6.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે છેલ્લા એક મહિનામાં સ્ટોક 13 ટકાથી વધુ ઘટ્યો છે. છેલ્લા ચાર દિવસમાં કંપનીનું માર્કેટ કેપ વધીને રૂ. 300 કરોડથી વધુ થઈ ગયું છે.

HDILએ થોડા સમય પહેલા જ નાદારી નોંધાવી છે
જણાવી દઈએ કે, ફેબ્રુઆરી મહિનામાં HDIL એ માહિતી આપી હતી કે તેના સોલ્યુશન પ્રોફેશનલ્સને કંપનીના એક્વિઝિશન માટે કુલ 16 બિડ મળી છે. જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી પ્રોપર્ટીઝ પણ સામેલ છે. આ સિવાય ખરીદદારોની યાદીમાં શારદા કન્સ્ટ્રક્શન્સ એન્ડ કોર્પોરેશન, બી-રાઈટ રિયલ એસ્ટેટ, અર્બન એફોર્ડેબલ હાઉસિંગ, ટોસ્કાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દેવ લેન્ડ એન્ડ હાઉસિંગનો સમાવેશ થાય છે. HDILની રિઝોલ્યુશન પ્રક્રિયા ગયા મહિને ફરી શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં એપેલેટ ટ્રિબ્યુનલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના નિર્ણયને પલટી નાખ્યો હતો. NCLTએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી એન્ડ રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) પૂર્ણ કરવાની સમયમર્યાદા લંબાવવાનો ઇનકાર કર્યો હતો. કરોડો રૂપિયાના પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (PMC બેંક) કૌભાંડમાં HDILના પ્રમોટર રાકેશ વાધવાન અને તેમના પુત્ર સારંગ વાધવાન સામે તપાસ ચાલી રહી છે.

અલગ અલગ ક્ષેત્રની કંપનીઓ પર નજર દોડાવી રહ્યું છે અદાણી ગ્રુપ
વર્ષ 1988માં કોમોડિટી ટ્રેડિંગ કંપની તરીકે શરૂઆત કરનાર અદાણી ગ્રુપ પોર્ટ કારોબારમાં વિસ્તરણ કર્યાં બાદ રાષ્ટ્રીય સ્તરે આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રુપે ગ્રીન એનર્જી, મીડિયા, ઓઈલ-ગેસ, માઈનિંગ, એરપોર્ટ ઓપરેશન, કંસ્ટ્રક્શન, ફૂડ પ્રોસેસિંગમાં પણ પોતાનો વ્યાપ વિસ્તાર્યો છે. અદાણી ગ્રુપે ગયા વર્ષે અદાણી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ નામથી સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો.