ચીન ભારતનું ટોચનું વેપારી ભાગીદાર બની ગયું છે.
ચીનના ગ્લોબલ ટાઈમ્સે આ સમાચાર પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે અને કહ્યું હતું કે ચીનની કંપનીઓ પર ભારતની વધતી જતી સખ્તાઇ છતાં આ દ્વિપક્ષીય વેપારમાં વધારો થવો ઘણા લોકો માટે આશ્ચર્યજનક હશે.

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ચીન અમેરિકાને પાછળ છોડીને ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું છે.
નાણાકીય વર્ષ 2023-24માં દ્વિપક્ષીય વેપાર $118.4 બિલિયન હતો અને ચીનમાં ભારતની નિકાસ 8.7% વધી છે.

આ અંગે ચીનની સામ્યવાદી સરકારનું મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે અને કહ્યું છે કે ભારત વેપારના મુદ્દાઓ પર સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને ચીનની કંપનીઓ સામે પગલાં લેવાનું વલણ ધરાવે છે, તેમ છતાં દ્વિપક્ષીય વેપારમાં વધારો થવો તે બાબત બંને અર્થતંત્રોની સંયુક્ત શક્તિને અવગણી શકાય નહીં.

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે અમેરિકા નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23માં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બની ગયું હતું, પરંતુ હવે ચીને આ સ્થાન હાંસલ કર્યું છે, જે ઘણા લોકો માટે આશ્ચર્યજનક હોઈ શકે છે કારણ કે ભારતે ચીન સાથેના તણાવ વચ્ચે ઘણી કંપનીઓ સામે કડક વલણ છતાં બન્ને દેશ વચ્ચે વેપારી સંબંધો વધ્યા છે અને ચીન ભારતનું ટોચનું વેપારી ભાગીદાર બની ગયું છે.

ભારત અને ચીનના ઉદ્યોગ બજારની સરખામણી કરતા ચીનના અખબારે આગળ લખ્યું, ‘ચીન પાસે ઘણા ક્ષેત્રોમાં સારી રીતે વિકસિત ઔદ્યોગિક પ્રણાલી, મજબૂત ઉત્પાદન આધાર અને અત્યાધુનિક ટેક્નોલોજી છે, જ્યારે ભારત પાસે મજબૂત સેવા ક્ષેત્ર અને માહિતી ટેકનોલોજી છે.

અખબારે લખ્યું છે કે ‘મેક ઈન ઈન્ડિયા’ના કારણે ભારતીય ઉદ્યોગોને સમર્થનની જરૂરિયાત વધી છે, ખાસ કરીને ટેકનોલોજી અને મૂડી-સઘન ઉત્પાદનોમાં.
ભારતીય ઉદ્યોગોની આ સ્થિતિ ચીનના ઉત્પાદન ક્ષેત્ર માટે નવા બજારની શક્યતા ઊભી કરે છે.
ઉદાહરણ તરીકે, સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે એક અહેવાલમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી સ્થિત સરકારી યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડ દ્વારા એપ્રિલ 2023માં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચીનમાંથી અકાર્બનિક રસાયણો, ફાર્માસ્યુટિકલ્સની આયાત ભારતના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે અને લોખંડ અને સ્ટીલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં નિકાસ થાય છે.

ચીન સાથે ભારતનું વધતું વેપાર અસંતુલન અને તેનો ઉકેલ

છેલ્લા કેટલાક વર્ષોમાં, ચીન સાથે ભારતના વેપાર અસંતુલનની કેટલાક લોકો દ્વારા ટીકા કરવામાં આવી છે જેની દ્વિપક્ષીય વેપારના વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે.

જ્યારે કોઈ દેશનો આયાત ખર્ચ તેની નિકાસ આવક કરતાં વધી જાય ત્યારે તેને વેપાર અસંતુલન કહેવામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, આપણે દેશમાંથી વધુ માલ ખરીદીએ છીએ પણ સામે તેને ઓછો માલ વેચીએ છીએ.

આર્થિક થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ચીનમાંથી ભારતની આયાત 3.24 ટકા વધીને $101.7 બિલિયન થઈ છે, જ્યારે ચીનમાં ભારતની નિકાસ $16.67 બિલિયન થઈ ગઈ છે. ગ્લોબલ ટાઈમ્સે તેના અહેવાલમાં લખ્યું છે કે વેપારમાં આ અસંતુલન પર ધ્યાન આપવું જોઈએ અને દ્વિપક્ષીય વેપારને સ્વસ્થ બનાવવા માટે પગલાં લેવા જોઈએ.

ચાઈનીઝ કંપનીઓ ભારતમાં સ્થાનિક હોવી જોઈએ – ગ્લોબલ ટાઈમ્સ

ગ્લોબલ ટાઈમ્સ લખે છે કે ભારતમાં ચીની કંપનીઓનું સ્થાનિકીકરણ વેપારમાં વર્તમાન અસંતુલનને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ વ્યૂહરચના સાબિત થશે.
જો ચીનની કંપનીઓ ભારતમાં તેમના ઉત્પાદન કેન્દ્રો ખોલશે તો રોજગારીની તકો વધશે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત થશે, જે આખરે વેપાર અસંતુલનને ઘટાડશે.
ઉદાહરણ તરીકે, ભારતના ઝડપથી વિકસતા સ્માર્ટફોન ઉદ્યોગમાં, માત્ર થોડા ભાગો જ સ્થાનિક રીતે બનાવવામાં આવે છે.
સ્માર્ટફોન પાર્ટસના સપ્લાયર તરીકે ચીન ભારતના સ્માર્ટફોન પ્લાન્ટ પર વર્ચસ્વ જાળવી રહ્યું છે.

અખબારે આગળ લખ્યું કે ચીન પણ ધીમે ધીમે ભારતીય ઉત્પાદનોને તેના બજારમાં વધુ સ્થાન આપી રહ્યું છે, ખાસ કરીને કૃષિ અને સર્વિસ આઉટસોર્સિંગ જેવા ક્ષેત્રોમાં.
આ ઉપરાંત, બંને દેશો સંયુક્ત સંશોધન અને વિકાસ કેન્દ્રો સ્થાપીને વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવી શોધોમાં સહકાર વધારી શકે છે, ટેક્નોલોજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક પ્રગતિને સરળ બનાવી શકે છે.
લેખના અંતમાં ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે ભારત અને ચીન તેમની સંયુક્ત શક્તિનો લાભ લઈ શકે છે, સહયોગની તકો શોધી શકે છે અને સ્થિર અને સમૃદ્ધ વેપાર સંબંધ બાંધી શકે છે જે બંને દેશો માટે ફાયદાકારક રહેશે તેવી પૂરી આશા છે.