બનાવટી દસ્તાવેજોના આધારે જમ્મુ-કાશ્મીરમાં ઝેડ સિક્યુરિટી મેળવી, સ્થાનિક અધિકારીઓ સાથે બેઠકો પણ યોજી, PMO લખેલા વિઝિટિંગ કાર્ડ પણ વહેંચ્યા

જમ્મુ કાશ્મીર પોલીસના હાથે એક મહાઠગ ઝડપાયો છે જે પોતાની ઓળખ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં અધિકારી હોવાની આપતો હતો. ઓક્ટોબરથી લઇને આજદીન સુધી જમ્મુ કાશ્મીર પોલીસે તેને ઝેડ પ્લસ સિક્યુરિટી પણ આપી હતી. જોકે જમ્મુ કાશ્મીર પોલીસની સીઆઇડી બ્રાન્ચને તેની ગંધ આવી જતા આખરે આ મહાઠગની ધરપકડ કરવામાં આવી છે. આ મહાઠગ ગુજરાતના અમદાવાદનો છે જેનું નામ ડૉ. કિરણ પટેલ હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલ કિરણ પટેલ નામના વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો.

ભાજપ નેતા સહિત અનેક પત્રકારો તેના ફોલોઅર્સ
કિરણ પટેલને જમ્મુ કાશ્મીર સત્તાધીશો દ્વારા ફાઇવ સ્ટાર હોટેલ લલિતમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આમ તો શંકાના આધારે આ ભાઇની ધરપકડ 10 દિવસ પહેલા જ કરવામાં આવી હતી જોકે તેનો ખુલાસો ગુરુવારે કરવામાં આવ્યો છે. મહાઠગ કિરણને ટ્વિટર દ્વારા બ્લૂ ટીક પણ આપવામાં આવ્યું છે અને ભાજપ સહિત અનેક પત્રકારો તેના ફોલોઅર્સ પણ રહેલા છે. કિરણ પટેલ પર આઈપીસીની કલમ 419, 420, 467, 468, 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ટ્વિટર પર પોસ્ટ કર્યા છે જમ્મુ કાશ્મીર પોલીસ સાથેના વીડિયો
ઠગે પોતાની ટ્વિટર પ્રોફાઇલમાં પીએચડી હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને હવે પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે પ્રવાસ દરમિયાન તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગ પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીર પ્રવાસના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેમની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે. જમ્મૂ કશ્મીરની CID વિંગે જમ્મૂ કશ્મીર પોલીસને ઈનપુટ આપ્યા હતા. જે બાદમાં કિરણ પટેલની ધરપકડ કરાયા બાદ હવે કિરણ પટેલને 17 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયો છે.

ગુજરાત પોલીસ પણ કરશે તપાસ
આ સાથે હવે ઠગ કિરણ પટેલના મામલામાં 2 અધિકારીઓ પર કાર્યવાહી થઈ શકે છે. સમગ્ર મામલે પુલવામાં ડે.કમિશનર બસીર ઉલ હક્ક અને પોલીસ સુપ્રિટેન્ડન્ટ ઝુલ્ફકાર આઝાદની પણ પૂછપરછ થઈ રહી છે. આ તરફ હવે ગુજરાત પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કારણ કે આ વ્યક્તિએ ગુજરાતમાં આ પ્રકારે જ ઓળખ આપીને કેટલા સાથે ઠગાઇ કરી છે તેની જાણકારી પોલીસ મેળવી રહી છે અને આગામી દોરમાં ગુજરાતમાં પણ તેનો રેલો આવી શકે છે.