મોદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ટ્રાફિક જાગૃતિ અભિયાનમાં ગુજરાત પોલીસનો મળ્યો શ્રેષ્ઠ સહયોગ

અમદાવાદ :
રામપુરા ગામમાં મોદી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસના ઉપક્રમે ગુરુવારે ટ્રાફિક જાગૃતિ કાર્યકમ યોજાયો હતો. આઇજીપી શ્રી વી. ચંદ્રશેખર સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય એસપી શ્રી અમિતભાઇ વસાવા સાહેબના માર્ગદર્શન અને સૂચનાથી સમગ્ર ક્રાયક્રમનું સુંદર આયોજન રામપુરા ગામ ખાતેના કૃષ્ણધામ ખાતે કરાયું હતું. જેમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય ટ્રાફિક પીએસઆઈ આર. યુ. ઝાલા તથા ટ્રાફિક પોલીસના જવાન સહિત દેત્રોજ પોલીસ સ્ટેશનના પોલિસ કર્મીઓ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અને રામપુરા ગામ આસપાસ આવેલી GIDCને કારણે વાહન અકસ્માતનું જોખમ મોટી સંખ્યામાં રહેતું હોય છે. આ કારણોસર વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

રામપુરા ગામમાં હેલ્મેટ-સેફ્ટી ગોગલ્સનું વિતરણ કરાયું
મોદી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સુકેતુ મોદીએ પોલીસ અધિકારી આર.યુ. ઝાલા તથા ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઇ ઠાકોર સહિત આગેવાનોનો આભાર માન્યો હતો અને ગામના લોકોને ટ્રાફીક નિયમનું પાલન કરવા જણાવ્યું હતું. ટ્રાફિક જાગૃતિના ભાગે ગ્રામજનોને હેલ્મેટ, સેફ્ટી ગોગલ્સ આપવામાં આવ્યા હતા અને વાહનો પર લગાવવા માટેની રેડિયમ પટ્ટીનું વિતરણ કરવામાં આવ્યું અને પોલીસના હસ્તે જ ગામના વાહનો પર લગાવવામાં આવ્યું હતું. રામપુરા-દેત્રોજ તાલુકા આસપાસ મોટી સંખ્યામાં લોકો બહાર નોકરી અર્થે GIDC જતા હોય છે અને આવા ગ્રામજનોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું. આ કારણોસર મોદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસના સહયોગથી સંભવિત અકસ્માત ઝોન તથા ટ્રાફિક બેરિકેડ્સ માટે રેડિયમ પટ્ટી પણ આપવામાં આવી હતી. હેલ્મેટ વિતરણ માટે ગામના લોકોનું રજીસ્ટ્રેશન લાયસન્સ કોપી સાથે કરવામાં આવ્યું ત્યારબાદ હેલ્મેટ આપવામાં આવ્યા તથા ગામનાં વાહનોમાં રેડિયમ પટ્ટી પોલિસ કર્મીના સહયોગથી ચોંટાડવામાં આવી હતી.

ટ્રાફિક બેદરકારીથી વાહન અકસ્માતો વધ્યા- PSI આર. યુ. ઝાલા
કાર્યક્રમમાં પીએસઆઈ ઝાલાએ ટ્રાફિક જાગૃતિ અંગે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવાની સાથે જણાવ્યું હતું કે દેશમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રોજબરોજની જિંદગીમાં આપણને વધુ ધ્યાને આવતું નથી પરંતુ રાષ્ટ્ર સ્તરે જ્યારે અકસ્માતથી થતા મૃત્યુઆંકની સંખ્યા બહાર આવે છે ત્યારે તે દોઢ લાખ સુધી પહોંચે છે. સરકાર દ્વારા વિવિધ સ્તરે ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધરાતું હોય છે પરંતુ એક જાગૃત નાગરિક તરીકે દરેક વાહન ચાલક હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવાનું આહવાન PSIએ ઝાલાએ કર્યું હતું. નોંધનીય છે કે, દેશમાં દર કલાકે 47 અકસ્માત થાય છે જેમાં 11 વ્યક્તિ મૃત્યુ પામતાં હોય છે.

ટ્રાફિક નિયમન અંગે ગ્રામજનોને પ્રતિજ્ઞા લેવડાવાઇ
તમારો પરિવાર ઘરે તમારી રાહ જોતો હોય છે માટે ગામના લોકોને ઝડપી વાહન ના ચલાવવાનો સંદેશ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવ્યો હતો અને ટ્રાફિક નિયમો હંમેશા પાળવાની પ્રતિજ્ઞા પણ ગામનાં લોકોને લેવડાવાઇ હતી. કાર્યક્રમમાં ગામના ગામના સરપંચનો તથા ગામના લોકોનો પુરેપુરો સાથ સહકાર પ્રાપ્ત થયો હતો.