ભારતમાં નાની ઉંમરે હાર્ટ એટક આવવાના બનાવો વધી ગયા છે ત્યારે ગુજરાતમાં પણ રોજ બરોજ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટના વધી છે ત્યારે આજે નવસારીમાં માત્ર નવ વર્ષના બાળકને સ્કૂલમાં એટેક આવતા કરુણ મોત થયાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

વિગતો મુજબ મૂળ કર્ણાટકના વતની અને નવસારીમાં રત્નકલાકારનું કામ કરતા રાજારામ ભાઈ દેસાઈનો 9 વર્ષીય પુત્ર આદિત્ય દેસાઈ
અહીંના જુનાથાણા વિસ્તારમાં આવેલી નવસારી વિજલપોર પાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હોય આજે શનિવારના દિવસે રાબેતા મુજબ શાળાએ ગયો હતો જ્યાં બાળકોને કસરત કરાવવાની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં આશરે નવ વાગ્યેના આસપાસ વિદ્યાર્થી કસરત કરતા કરતા અચાનક ઢળી પડ્યો હતો અને બેભાન થઈ જતા શાળામાં ભારે દોડધામ મચી હતી અને પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો સ્થળ ઉપર દોડી ગયા હતા અને તાત્કાલિક રીક્ષા બોલાવી વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રિન્સિપાલે તાત્કાલિક પરિવારને જાણ કરતા માતા-પિતા હોસ્પિટલ પર પહોંચ્યા હતા જેઓના રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
આમ માત્ર નવ વર્ષની ઉંમરના બાળકનું કરુણ મોત થઈ જતા નવસારીમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.