બિઝનેસ ઓનર્સ દ્વારા સમગ્ર ન્યુઝીલેન્ડમાં વડાપ્રધાન જેસિંડા આર્ડન અને લેબર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ.
34 વર્ષીય મૃતક જનક પટેલ નવસારીનો હતો વતની, સાત મહિના પહેલા જ આવ્યો હતો ન્યુઝીલેન્ડ, ભારતીય સમુદાયમાં રોષ
વડાપ્રધાન જેસિંડા આર્ડને બિઝનેસ ઓનર્સ માટે રાહત પેકેજમાં વધારો કર્યો છે. પરંતુ સવાલ હજુ પણ ત્યાંનો ત્યાં જ છે કે શું પૈસાથી જીવ બચાવી શકાશે. જવાબ કદાચ ના જ આવશે. સેન્ડ્રીંઘહામમાં રોઝ સુપરેટના કર્મચારી જનક પટેલની અંતિમ વિધિમાં સામેલ થઇને તમે તમારી ફરજ તો પૂર્ણ કરી દીધી છે, પરંતુ જ્યારે તમારી આ જનતા જ્યારે રક્ષણ માંગી રહી છે ત્યારે તમે કેમ સાંભળતા નથી. શું મામુલી વોટ માટે ? સવાલ અનેક છે પરંતુ જવાબ હજુ સુધી સરકાર તરફથી મળ્યો નથી. જ્યારે પ્રજા જ દેશભરમાં વધતા ગુનાથી કંટાળી ચૂકી છે ત્યારે ખોબલેને ખોબલે મત મેળવનાર લેબર પાર્ટીને સવાલો પૂછી રહેલી પ્રજાની કિંમત કેમ સમજાતી નથી. ઘણાં વર્ષો બાદ આવું બન્યું હશે કે મોટાભાગની ડેરી શોપ વિરોધના કારણે થોડા સમય માટે બંધ કરવામાં આવી. 4 મિલિયન ડોલરના સપોર્ટથી કશો ફેર નહીં પડે જ્યાં સુધી ગુનેગારો સામે પગલા લેવામાં નહીં આવે.
વડાપ્રધાન જેસિંડા આર્ડન…… અંતિમ વિધિમાં સામેલ થઇને તમે લોકો અને પરિવાર સાથે દુઃખ જરૂર વહેચ્યું પરંતુ આજની પત્રકાર પરિષદમાં જ્યારે તમે આંકડાઓની માયાજાળ દેખાડી ત્યારે સાબિત થયું કે તમે પણ એક પાક્કા રાજકારણી જ છો. ક્યાંક પૈસાથી સપોર્ટ કર્યા હોવાના દાવા તો ક્યાં ક ગુનાખોરી ઘડી હોવાના આંકડા આપે રજૂ કર્યા, પરંતુ સવાલ આજે પણ એ જ છે કે શું ડેરી કર્મચારીની હત્યા થઇ હોવાનું આપે છેલ્લા કેટલાક વર્ષોથી સાંભળ્યું હતું. જવાબ ના હશે, પરંતુ તમને મત આપનારી પ્રજા છેલ્લા ઘણાં વર્ષોથી કડક કાયદાની માંગ કરી રહી છે.
પ્રજાનો સવાલ એ જંખે છે કે પોતાના પરસેવાની કમાણી આમ લૂંટાતી કોઇ ક્યાં સુધી જોતા રહેશે. છેલ્લા છ મહિનામાં એક…બે…ત્રણ કે ચાર નહીં… પરંતુ અનેક જ્વેલરી શોપ લૂંટાઇ છે. જેમાં ન માત્ર ભારતીય મૂળના પરંતુ દરેક દેશમાંથી આવેલા અને શાંતિ ઇચ્છતા લોકો લૂંટાયા છે. આંકડાઓની તપાસ કરવી હોય તો જરા એ કરજો કે છેલ્લે એક સાથે આટલી બધી જ્વેલરી શોપ ક્યારે લૂંટાઇ હતી ? શું તમારી ઓફિસની બહાર આ પ્રકારનો વિરોધ તમે ક્યારેય જોયો છે ? તમને લોકોની આ એક્તા, આ લાગણી કેમ દેખાતી નથી. અરે તમારી ન્યુઝીલેન્ડ પોલીસ પણ કાયદા કડક કરવાની આગ્રહી રહી છે અને તમે એ દિશામાં ક્યાંક પગલા લીધા પણ છે, પરંતુ હજુ તેની કડકાઇમાં એક ઉંડી ખાઇ છે જેનાથી આ લૂંટારુઓ, આ ગુનેગારો બેખોફ થઇને રસ્તાઓ પર ફરી રહ્યા છે.
સૂઝે છે કુબુદ્ધિ ત્યારે, ફળ કર્મોના પાકી જાય છે,
અહંનું મિસાઇલ, સૈન્ય શક્તિને તાકી જાય છે !
થાકી જાય છે શ્વાસ ‘હું કરું’ના ગાડાં નીચે ચાલીને,
ક્ષણિક ‘મદ’નું વાદળ સૂર્ય પણ ઢાંકી જાય છે. – સુ.પ્રા. ભટ્ટ
કલમમાં લખવાની તાકાત ઘણી છે પરંતુ વડાપ્રધાન જેસિંડા આર્ડન આંકડાઓની માયાજાળમાંથી બહાર આવીને ક્યાંક વડાપ્રધાનપદની મદમસ્તીમાંથી બહાર આવીને સામાન્ય નાગરિક તો બની જુઓ, કદાચ તમને એ ગુનાખોરી, એ દાદાગીરી, એ બેરોજગારી, એ નિયમિત કામ ન કરવા માગતા એ યુવાનો વારંવાર સામે આવી જશે અને અમારી લાગણી પર દયા પણ આવી જશે.