સુરેન્દ્રનગરના દુધરેજમાં પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર કર્યો, વાર-તહેવારે થતા અપમાન હું ગળી જાવ છું. મારે 130 કરોડ લોકોનું ભલું કરવું છે એટલે અપમાન ગળી જાઉં છું- પીએમ મોદીના પ્રહાર

કોંગ્રેસવાળા મારી ઓકાત જોવા માગે છે, પરંતુ હું તો સામાન્ય પરિવારમાંથી આવું છું, મારી ઓકાત નથી- પીએમ મોદી

દૂધરેજઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભા સંબોધી હતી. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ધોરીધજા ડેમ ભરવાનો હતો ત્યારે હું સુરેન્દ્રનગર આવ્યો હતો. અમે ફક્ત સપના જ નથી જોતા, સપનાનો સંકલ્પ લઇને સિદ્ધિ મેળવીએ છીએ. 24 કલાક વીજળી ન મળે તેવુ વિધાનસભામાં કોગ્રેસના ધારાસભ્યો બોલ્યા હતા.

કોંગ્રેસવાળા કહે છે કે આ મોદીને તેની ઓકાત બતાવી દઇશું, અરે મારી કોઈ ઓકાત નથી. હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું ભાઈ. અરે અમારી કોઈ ઓકાત નથી, વિકાસના કામોની ચર્ચા કરો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ રાજીવ ભવનમાં પાર્ટીનો ઢંઢેરો લૉન્ચ કર્યા બાદ એક ટીવી ચેનલ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘તેઓ પીએમ મોદીને ગુજરાત ચૂંટણીમાં તેમની ‘ઓકાત’ બતાવશે. PM નરેન્દ્ર મોદી ગમે તેટલી કોશિશ કરે તેઓ સરદાર પટેલ બની શકતા નથી.’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. નામ લીધા વિના વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જેમને પદ પરથી જનતાએ હટાવ્યા તેઓ આજે યાત્રા કરી રહ્યા છે. નર્મદા વિરોધીઓને સજા કરવા માટે આ ચૂંટણી બનવી જોઇએ. નર્મદા વિરોધીઓની સાથે યાત્રા કરી રહ્યા છે.