ગુજરાત ભાજપમાં અસંતોષ ખાળવા માટે ખુદ અમિત શાહે જ મોરચો સંભાળ્યો, આગામી બે દિવસ સુધી રહેશે ગુજરાતમાં જ.
ટીકીટની વહેંચણીથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ શરૂ થયો છે. ઘોષિત 166માંથી 40થી વધુ બેઠકો પર વિરોધનો અવાજ સંભળાવા લાગ્યો છે. તેમને રોકવા માટે ગૃહમંત્રી અમિત શાહે આગેવાની લીધી છે. વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડવા શાહ ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના છે અને જ્યાં તમામ સીટો પર ઉમેદવારો તો તેમની હાજરી વચ્ચે જ જાહેર થશે પરંતુ જો કોઇ અસંતોષ જણાય તો તેનું સમાધાન કરવાના પ્રયાસો અને ત્યારબાદનો નિર્ણય પણ તેઓ જ લેવાના છે. હાલ તો શાહે અસંતુષ્ટ નેતાઓના કારણે થતા નુકસાન અને ડેમેજ કંટ્રોલ કરવાની વ્યૂહરચના પર પણ કામ શરૂ કરી દીધું છે.
ગુજરાત ચૂંટણીનું કામ જોઈ રહેલા ભાજપના વરિષ્ઠ સાંસદે જણાવ્યું હતું કે ગઇકાલે રવિવારે સાંજે અમિત શાહે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચાર કલાકની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ચાર ઝોનના મહાસચિવોએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે એક પછી એક નારાજગી સાથે તમામ બેઠકો પર ચર્ચા કરી. મીટીંગમાં તેમણે ગુજરાત ભાજપના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જે લોકો નારાજ છે તે તમામ પાર્ટી અને પરિવારના છે. તેમના પર દબાણ લાવવાને બદલે સમજણ અને પ્રેમથી કામ કરો. જે લોકો સમજાવટથી સંમત ન થાય, તેમને ચૌદમું રત્ન બતાવવાનો દિલ્હીથી આદેશ છે. આ બ્રહ્માસ્ત્રને જરૂર ન પડે ત્યાં સુધી છોડશો નહીં.
અમિત શાહ સંઘ-ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે
ગુજરાતમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ભાજપમાં કેટલીક બેઠકો પર બળવો થયો હતો. ટિકિટ કાપવાને કારણે ઘણા વર્તમાન ધારાસભ્યો અને તેમના સમર્થકો નારાજ હોવાનું કહેવાય છે. વધી રહેલા વિરોધ વચ્ચે શાહ રવિવારે ગાંધીનગર પહોંચ્યા હતા. મેરેથોન બેઠકમાં અમિત શાહે વિરોધના અવાજને કેવી રીતે શાંત કરવો, તેમજ કઈ સીટ પર નારાજગી ચાલી રહી છે તે સહિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મળતી માહિતી મુજબ શાહ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં રહીને પ્રચાર કરશે. તેઓ ભાજપ અને સંઘના નેતાઓ સાથે પણ બેઠક કરશે. રાજ્યની જે બેઠકોમાં અસંતોષ વધુ છે. ત્યાં પણ સમીક્ષા કરશે.
બળવાખોરો આ વિસ્તારોમાં મુશ્કેલી ઊભી કરી શકે
રાજ્યના નેતાઓની એક ટીમ અસંતુષ્ટ નેતાઓ સાથે વન ટુ વન ચર્ચા કરશે. અસંતુષ્ટ નેતાઓને ચૂંટણીમાં અલગ-અલગ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે લોકો વધુ ગુસ્સે છે તેવા લોકોને સંસ્થા કે સરકારી નિગમના પદ પર એડજસ્ટ કરવા જેવી ફોર્મ્યુલા પર ચર્ચા થઈ શકે છે. એવું કહેવાય છે કે નારાજ નેતાઓને શાંત કરવામાં પાર્ટી સફળ નહીં થાય તો આ નેતાઓ મધ્ય ગુજરાતની છ, સૌરાષ્ટ્રની સાત અને ઉત્તર ગુજરાતની સાત બેઠકો પર પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
રવિવારે સાંજે શાહની બેઠક બાદ જામ નગર ઉત્તરના વર્તમાન ધારાસભ્ય હકુભા જાડેજાને જામનગરની ત્રણ બેઠકોના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે જામ નગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. હકુભા જાડેજા ટિકિટ ન મળતા નારાજ થયા હતા. તેથી જ તેમને પ્રભારી બનાવવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ ઉપરાંત વઢવાણ બેઠક પરથી ઉમેદવાર જીજ્ઞા પંડ્યા પણ અન્ય કોઈને ટિકિટ આપવાને બદલે વઢવાણ બેઠક પરથી ઉમેદવાર બદલી નાખે તેવી શક્યતા છે.