દિવાળી અન્નકૂટ દરમિયાન 1023 કિલોની કેક તૈયાર કરીને દર્શનાર્થે મૂકાઇ, ભક્તોમાં વહેંચ્યા બાદ પેરામાટ્ટા મિશન અને હોક્સબરીના હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટી સંસ્થામાં દાન કરાઇ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. સિડની
દિવાળીના દિવસે અન્નકુટનું વિશેષ મહત્વ હોય છે અને ગુજરાત હોય કે વિદેશ, લોકો આ પરંપરાને જાળવી રાખતા હોય છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર ખાતે અન્નકુટ મહોત્સવનું આયોજન કરાયું છે. આ આયોજન એટલા માટે પણ ખાસ બન્યું કે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિશ્વની સૌથી મોટી ઇંડા વગરની “સ્મૃતિ મંદિર”કેક પણ ભગવાનને ધરાવવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને રેકોર્ડ બ્રેક કર્યો હોવાનું સર્ટિફિકેટ પણ આપ્યું હતું. આ પ્રસંગના સાક્ષી બનવા માટે 20 હજાર ભારતીયો મોજુદ રહ્યા હતા. સમગ્ર આયોજન રોઝહિલ ગાર્ડન ન્યુ સાઉથ વેલ્સ ખાતે કરવામાં આવ્યું હતું.
ઇંડા વિનાની 1023 KG રેકોર્ડબ્રેક મોટી કેક બનાવાઇ
અન્નકુટ દરમિયાન 4039 કલાકની મહામહેનત બાદ 1023 કિલોગ્રામની ઇંડા વિનાની સૌથી મોટી કેક તૈયાર કરવામાં આવી હતી. 60 વોલન્ટીયરની અથાગ મહેનતથી 2.4 મમીટર ઉંચી અને 3 મીટર પહોળી કેક તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ન્યુ સાઉથ વેલ્સના મિનિસ્ટર સહિત ઘણાં રાજકીય નેતાઓ તથા અધિકારીઓ મોજુદ રહ્યા હતા.
DCJ કોમ્યુનિકેશન ઓફિસર અને BAPS સ્વામિનારાયણ મંદિર સિડનીના સભ્ય , હેમાંગીની પટેલે જણાવ્યું હતું કે અમે રેકોર્ડ બ્રેક 1023 કિલોની કેક પણ બનાવી છે, જે પ્રદર્શનમાં રાખવામાં આવી હતી તથા અમે તે કેકનો એક ભાગ ચેરિટીમાં દાન કરવામાં આવ્યો હતો. પેરામાટ્ટા મિશન અને હોક્સબરીના હેલ્પિંગ હેન્ડ્સ સાથે બેઘરતા અનુભવતા લોકોને કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું”