હેલિકોપ્ટર કેદારનાથથી શ્રદ્ધાળુઓને લઈને ગુપ્તકાશી તરફ જઈ રહ્યું હતું. કેદારનાથ ધામથી 2 કિમી દૂર ગરુડચટ્ટી પાસે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 લોકોના દુઃખદ મોત થયા છે. તેમાં એક પાઈલટ અને 6 મુસાફરોનો સમાવેશ થાય છે. આ હેલિકોપ્ટર કેદારનાથથી શ્રદ્ધાળુઓને લઈને ગુપ્તકાશી તરફ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર ક્રેશમાં ભાવનગરની ત્રણ દિકરીઓ પણ સામેલ હતી જેમાંથી બે પિતરાઇ બહેનોનો પણ સમાવેશ થાય છે. કેદારનાથ ધામથી 2 કિમી દૂર ગરુડચટ્ટી પાસે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
એવું માનવામાં આવે છે કે આ દુર્ઘટના ધુમ્મસ અને નબળી વિઝિબિલિટીના કારણે થઈ હતી, પહેલા હેલિકોપ્ટર કોઈ જગ્યાએ ટકરાયું અને પછી તેમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત ખૂબ જ ખતરનાક હતો. હેલિકોપ્ટર પડતાની સાથે જ એન્જિનમાં ધડાકો થયો હતો. જેના કારણે હેલિકોપ્ટરમાં બેઠેલા લોકોનું દર્દનાક મોત નિપજ્યું હતું. તસવીરોમાં દેખાતો કાટમાળ ખૂબ જ ડરામણો જોવા મળ્યો છે.
ભાવનગરની ત્રણ દિકરીઓ મૃત્યુ પામી
કેદારનાથથી બે કિલોમીટર દૂર આજે સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ થતા બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુઓ સહિત સાત લોકોનાં મોત નિપજ્યા છે. જે શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે તેમાં ત્રણ યુવતીઓ ભાવનગરની સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં રહેતા યુવતીના પરિવારજનોને દુર્ઘટનાની જાણ થતા શોકનો માહોલ છવાયો છે. જેમાં ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને પિતરાઈ બહેનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પૂર્વા રામાનુજ નામની અન્ય યુવતી ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
સાંકડી ખીણમાંથી પસાર થતી વેળાએ થયું દુર્ઘટનાગ્રસ્ત
ગરુડચટ્ટી પાસેના ડુંગરાળ ખેતરમાં મૃતદેહોનો ટુકડો પડેલો જોવા મળે છે. ક્યાંક શરીરથી અલગ પડેલો હાથ દેખાય છે તો ક્યાંક અન્ય ભાગો. અકસ્માત સમયે આ જગ્યા ગાઢ વાદળોથી ઢંકાયેલી હતી અને ત્યાં ગાઢ ધુમ્મસ હતું અને કરા પણ પડી રહ્યા હતા. આ દરમિયાન હેલિકોપ્ટરની આગને પહેલા બુઝાવી દેવામાં આવી છે. વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે કેદારનાથ જવા માટે ઘણી વખત હેલિકોપ્ટરને બે સાંકડી ખીણમાંથી પસાર થવું પડે છે. આ દરમિયાન જો ધુમ્મસ અને વાદળો હોય તો આ યાત્રા ઘાતક બની જાય છે.
ઘટના વિશે માહિતી આપતા SDRFએ જણાવ્યું કે, 18 ઓક્ટોબર, 2022ના રોજ SDRFને કેદારનાથ યાત્રાના માર્ગ પર લિંચોલી અને ગરુડચટ્ટી વચ્ચે હેલિકોપ્ટર ક્રેશ થવાની માહિતી મળી હતી. આ માહિતી પર કેદારનાથ અને લિંચોલીથી એસડીઆરએફની બચાવ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું, જેમાં 07 લોકો સવાર હતા. ધુમ્મસને કારણે નબળી વિઝિબિલિટીના કારણે પહાડી સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.