સોશ્યલ મીડિયા સહિત Qantas એરલાઇન્સને લોકોના રોષનું ભોગ બનવું પડ્યું, 24 કલાકમાં જ એરલાઇન્સ મેનેજમેન્ટે યુ-ટર્ન લીધો
ઓસ્ટ્રેલિયાની પ્રીમિયમ એરલાઇન્સ કંપની Qantasએ થોડા દિવસ પહેલા જ ડોમેસ્ટિક રૂટ્સ પર જો 3 કલાકથી ઓછા સમયની ફ્લાઇટ હોય તો શાકાહારી ભોજન પીરસવાનું બંધ કરવાનું એલાન કર્યું હતું જોકે લોકોના ભારે વિરોધના પગલે હવે કંપનીએ નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે. ટ્રાવેલર્સની પ્રતિક્રિયા બાદ Qantas ફરીથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર શાકાહારી ભોજન પીરસવાનું શરૂ કરશે.
2020 માં રોગચાળાની શરૂઆતમાં ક્વાન્ટાસે 3.5 કલાકની અંદરની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બોર્ડ પર તેના ભોજનની ઓફરમાં ઘટાડો કર્યો હતો, જેનો અર્થ અમુક ફ્લાઇટ્સ પર માત્ર એક જ વિકલ્પ પૂરો પાડવાનો હતો. પરંતુ શુક્રવારે, ગ્રાહકોના દબાણ પછી, એરલાઈને જાહેરાત કરી કે તે તેનો નિર્ણય પાછો ખેંચશે અને તમામ સ્થાનિક ફ્લાઈટ્સ પર શાકાહારી ભોજન ફરી શરૂ કરશે. માત્ર આટલું જ નહીં પમ તાજા ફળો, જે રોગચાળા દરમિયાન થોભાવવામાં આવ્યા હતા, તે પણ ઓન બોર્ડ પર ઓફર કરવામાં આવશે.
Qantasના ઉત્પાદન અને સેવાના એક્ઝિક્યુટિવ મેનેજર, ફિલ કેપ્સે જણાવ્યું હતું કે, એરલાઈન્સે શાકાહારી વિકલ્પો ઉપલબ્ધ હોવા અંગે લોકોના પ્રતિસાદને સાંભળ્યો છે. “અમે કોવિડ દરમિયાન અમારી સેવામાં ઘણા ફેરફારો કરવા પડ્યા હતા અને અમે હજી પણ વસ્તુઓ પાછી લાવવાની અને અન્યને અપડેટ કરવાની પ્રક્રિયામાં છીએ,” એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટૂંકી ફ્લાઇટ્સ પર, Qantasએ ફ્લાઇટ દીઠ એક જ ભોજન/નાસ્તાનો વિકલ્પ પૂરો પાડ્યો હતો અને તે “ક્રૂ મેમ્બરો માટે સર્વિસ ડિલિવરી સરળ બનાવવા” માટે હતું.