મોબાઇલ એપ્લિકેશનમાં જીવંત મેચની સાથે પ્લેયર્સ સ્ટેટ્સ તથા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ટૂર્નામેન્ટની માહિતી અપાઇ

કેતન જોષી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશ (GCA)ને ક્રિકેટ રસિકોને એક અમુલ્ય ભેટ આપી છે. હવે ગુજરાતની એકપણ મેચ ક્રિકેટ પ્રેમીઓ ચુકશે નહીં, કારણ કે GCA મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જે ન માત્ર સ્કોરકાર્ડ માટે ઉપયોગી બનશે, પરંતુ તેમાં ગુજરાતની વિવિધ ટીમો દ્વારા રમાતી મેચીઝનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હાલ અમદાવાદના મોટેરા ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિલાયન્સ જી1 અંડર 19 વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઇ રહી છે અને એ દરમિયાન મોબાઇલ એપ્લિકેશન જીસીએ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જે હાલ એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ છે.

એપ્લિકેશનમાં તમામ ક્રિકેટ એસોસિયેશનની જાણકારી
જીસીએ એપ્લિકેશનમાં ન માત્ર જીસીએ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટના સ્કોરકાર્ડ અથવા અન્ય જાણકારી મળશે પરંતુ જીસીએ સાથે સંકળાયેલા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશની પણ જાણકારી આપવામાં આવી છે. આથી જો સુરતમાં કે વલસાડમાં રમાતી મેચનો સ્કોર જાણવો હશે તો હવે ક્રિકેટ રસિકોને તેની જાણકારી આસાનીથી એપ્લિકેશન દ્વારા મળશે. એપમાં સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, પંચમહાલ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, ભરૂચ અને ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશનની માહિતી આપવામાં આવી છે.

એપ્લિકેશન પર એક સાથે બે મેચનું જીવંત પ્રસારણ
હાલ રિલાયન્સ જી1 અંડર 19 વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાઇ રહી છે અને તેમાં સૌરાષ્ટ્ર અંડર 19 અને બરોડા અંડર 19 મેચની સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બી ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી બેંગાલ અને ગુજરાત અંડર 19 ટીમની મેચનું એક સાથે જીવંત પ્રસારણ થઇ રહ્યું હતું. આમ ન માત્ર ગુજરાતના પરંતુ મહેમાન ટીમના એસોસિયેશનને પણ જીવંત મેચ જોવા મળશે. ગુજરાત અંડર 19 ટીમની મેચ અદભૂત પ્રતિસાદ મળતા એકસાથે 500થી વધુ લોકો પ્રસારણ નિહાળી રહ્યા હતા. જ્યારે ઓવરઓલ વ્યુઝની વાત કરીએ તો 10 હજારથી પણ વધુ લોકોએ મેચની દરેક ક્ષણને પોતાના મોબાઇલમાં નિહાળી હતી.

એપ્લિકેશનમાં ખેલાડીઓ વિશેની પણ માહિતી
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા જે એપ્લિકેશન બનાવવામાં આવી છે તેમાં સૌથી રોચક બાબત એ છે કે મેચ દરમિયાન પ્લેયર તથા ક્રિકેટ રસિકો દરેક ખેલાડીના પર્ફોમન્સ સ્ટેટ્સ પણ જોઇ શકશે. આંતરરાષ્ટ્રીય મેચમાં જેમ બેટ્સમેન તથા બોલર્સના પર્ફોમન્સ સ્ટેટ્સ આફવામાં આવે છે તેવી જ આંકડાકીય માહિતી એપ્લિકેશનમાં લાઇવ આપવામાં આવી છે.