બે ખાતાંમાં 814 કરોડથી વધુનું બેનામી ભંડોળ: 420 કરોડની કરચોરીનો આરોપ
આવકવેરા વિભાગે અનિલ અંબાણી પર ‘ઇરાદાપૂર્વક’ કરચોરીનો ગુનો નોંધ્યો છે
સ્વિસ બેન્ક (Swiss Bank)ના બે ખાતાંમાં ગુપ્ત ભંડોળ રાખવા બદલ આવકવેરા વિભાગે (Income Tax) અનિલ અંબાણી (Anil Ambani)ને નોટિસ (IT Notice) ફટકારી છે. ટેક્સ વિભાગના આરોપ અનુસાર અનિલે સ્વિસ બેન્કના બે ખાતાંમાં રૂ.૮૧૪ કરોડથી વધુનું બેનામી ભંડોળ રાખી રૂ.૪૨૦ કરોડની કરચોરી કરી છે. આવકવેરા વિભાગે અનિલ અંબાણી પર ‘ઇરાદાપૂર્વક’ કરચોરીનો ગુનો નોંધ્યો છે અને જણાવ્યું છે કે, તેમણે ઇરાદાપૂર્વક તેમના વિદેશી બેન્ક ખાતાં અને અન્ય નાણાકીય હિતોની માહિતી ભારતીય ટેક્સ સત્તાવાળાને આપી નથી. અંબાણીને ચાલુ મહિને આ સંદર્ભે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. વિભાગે જણાવ્યું હતું કે, તેમની પર કાળા નાણાંની કલમ ૫૦ અને ૫૧ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, બ્લેક મની (છુપાવેલી વિદેશી આવક અને એસેટ્સ) ઇમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, ૨૦૧૫ હેઠળ મહત્તમ ૧૦ વર્ષની કેદ અને દંડની સજા થઈ શકે.
આવકવેરા વિભાગે અનિલ અંબાણીને ૩૧ ઓગસ્ટ સુધીમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે. અંબાણીની ઓફિસે હજુ સુધી આ મામલે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપ્યો નથી. ટેક્સ સત્તાવાળાએ અંબાણી પર આકારણી વર્ષ ૨૦૧૨-૧૩થી ૨૦૧૯-૨૦ના ગાળામાં વિદેશમાં બેનામી એસેટ્સ રાખી કરચોરી કરી હોવાનો આરોપ મૂક્યો છે. નોટિસમાં જણાવ્યા અનુસાર “ટેક્સ અધિકારીઓને જણાયું છે કે અંબાણી બહામાસની ‘ડાયમંડ ટ્રસ્ટ’ નામની એન્ટિટી અને અન્ય કંપની ‘નોર્ધન એટલાન્ટિક ટ્રેડિંગ અનલિમિટેડ’ (NATU)ના ‘ઇકોનોમિક કોન્ટ્રિબ્યુટર અને લાભાર્થી માલિક’ હતા.
NATUની નોંધણી બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં કરવામાં આવી હતી. બહામાસ ટ્રસ્ટના કેસમાં આવકવેરા વિભાગને જણાયું હતું કે, તેની કંપની ડ્રીમવર્ક હોલ્ડિંગ્સ સ્વિસ બેન્કના ખાતાની માલિક હતી. જેમાં ૩૧ ડિસેમ્બરના રોજ ૩૨,૦૯૫,૬૦૦ ડોલરનું મહત્તમ બેલેન્સ હતું. નોટિસમાં જણાવ્યા અનુસાર ટ્રસ્ટને ૨૫,૦૪૦,૪૨૨ ડોલરનું પ્રારંભિક ફન્ડિંગ મળ્યું હતું. વિભાગે આરોપ મૂક્યો હતો કે, આ ફન્ડિંગના નાણાં અનિલ અંબાણીના ‘પર્સનલ એકાઉન્ટ’માંથી આવ્યા હતા. અંબાણીએ ૨૦૦૬માં આ ટ્રસ્ટ શરૂ કરવા માટેના કેવાયસી દસ્તાવેજ તરીકે તેમનો પાસપોર્ટ આપ્યો હતો.