ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટના સમાવેશ અંગે શરૂ કરી તૈયારી, આઇસીસી સમક્ષ આ અઠવાડિયામાં જ મૂકશે પ્રસ્તાવ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) બ્રિસ્બેન (Brisbane Olympics) ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. તાજેતરમાં જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેની આગામી યોજના વિશે જણાવ્યું હતું, જેમાં તેઓએ કહ્યું હતું કે ક્રિકેટને ઓલિમ્પિક રમતનો ભાગ બનાવવો એ અમારા એજન્ડામાં સામેલ છે. જેથી કોમનવેલ્થ ગેમ્સમાં વુમન્સ ટી20 ક્રિકેટને સામેલ કરાયું હતું અને તેને પ્રતિસાદ પણ સારો મળ્યો હતો એથી હવે ઓલિમ્પિકમાં જો ક્રિકેટનો સમાવેશ થાય તો ચાહકો માટે સારા સમાચાર છે.
વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે 2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરી શકાય છે, પરંતુ જો આ શક્ય ન બને તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) વર્ષ 2032માં બ્રિસબેનમાં યોજાનારી ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરી શકશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યુ હતું કે તે અંગેની વિચારણા તથા તેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા પણ કરી લેવામાં આવી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ICC સમક્ષ મૂકશે પ્રસ્તાવ
વાસ્તવમાં ક્રિકેટ સહિત 8 રમતોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેને લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી શકે છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) આ મહિનાના અંતમાં આયોજકોને પોતાનો અભિપ્રાય રજૂ કરશે. નોંધપાત્ર રીતે, ઓલિમ્પિકનું આયોજન કરનાર શહેર કોઈપણ નવી રમત ઉમેરી શકે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ની મંજૂરી જરૂરી છે.
132 વર્ષ પછી થઇ શકે છે ક્રિકેટનો ઓલિમ્પિકમાં સમાવેશ
નોંધનીય છે કે અત્યાર સુધી ક્રિકેટને માત્ર એક જ વખત ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, વર્ષ 1900ની ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, આ ઓલિમ્પિક્સ ગેમ્સ પેરિસમાં યોજાઈ હતી. જોકે, તે ઓલિમ્પિકમાં માત્ર બ્રિટન અને ફ્રાંસની ટીમે જ ભાગ લીધો હતો. અગાઉ મહિલા ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ કરવામાં આવી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2022 ક્રિકેટ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.