સેમિફાઇનલમાં કિદાંબી શ્રીકાંતને હરાવનાર મલેશિયન શટલર ત્ઝે યોંગ એનજીને હરાવી લીધો બદલો, એક સેટથી પાછળ રહ્યા બાદ 19-21, 21-9, 21-16 થી આપી હાર
નમસ્કાર ગુજરાત ન્યુઝ
ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મેન્સ સિંગલ બેડમિન્ટનની ફાઈનલ મેચમાં મલેશિયાના ત્ઝે યોંગ એનજીને હરાવ્યો હતો. લક્ષ્ય સેને જી યોંગ સામે 19-21, 21-9, 21-16થી જીત નોંધાવી ગોલ્ડ મડલ જીત્યો હતો ભારતનો આ 20મો ગોલ્ડ મેડલ હતો.
લક્ષ્ય સેન અને જી યોંગ વચ્ચેની આ ફાઇનલ મેચ ખૂબ જ કપરી રહી હતી. શરૂઆતથી જ બંને ખેલાડીઓ એકબીજાને ટક્કર આપતા રહ્યા હતા. લક્ષ્ય સેન અહીં તેની પ્રથમ ગેમ 19-21થી હારી ગયો હતો. એક સમયે મેચ 18-18ની બરાબરી પર હતી પરંતુ છેલ્લે મલેશિયન શટલરે બાજી મારી હતી. બીજી ગેમમાં પણ બરાબરીનો દોર જારી રહ્યો હતો. લક્ષ્ય અહીં 6-8થી પાછળ હતો પરંતુ પછી જોરદાર વાપસી કરી અને જી યોંગને 21-9થી પાછળ છોડી દીધો. આ પછી, ત્રીજી ગેમમાં લક્ષ્યે શરૂઆતથી જ સરસાઈ જાળવી રાખી હતી. તમને જણાવી દઈએ કે આ મેચ પહેલા લક્ષ્ય સેન જી યોંગ સાથે બે વખત ટકરાયા હતા. આ બંને મેચમાં લક્ષ્ય સેનની જીત થઇ હતી.
જિયા હેંગનો સેમિફાઇનલમાં પરાજય થયો હતો
20 વર્ષીય લક્ષ્ય સેન માટે આ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ છે. વર્લ્ડ નંબર 10 લક્ષ્યે અહીં બેડમિન્ટન મેન્સ સિંગલ્સની રોમાંચક સેમિફાઇનલ મેચમાં સિંગાપોરના જિયા હેંગને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે જિયા સામે 21-10, 18-21, 21-16થી ગેમ જીતી હતી. બીજી તરફ મલેશિયાના જી યોંગ એનજીએ સેમિફાઇનલ મેચમાં ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
સિંગલ્સમાં બીજી મોટી સિદ્ધિ
સિંગલ્સ ઈવેન્ટ્સમાં લક્ષ્ય સેનનો આ બીજો મોટો મેડલ છે. આ પહેલા તે 2021માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે. તે જ સમયે, ટીમ ઈવેન્ટમાં તેના હિસ્સામાં ઘણા મોટા મેડલ આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં તેણે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. થોમસ કપ 2022માં મેન્સ ટીમ ગોલ્ડ અને એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં મેન્સ ટીમ બ્રોન્ઝ પણ તેની મોટી ઉપલબ્ધિઓમાં સામેલ છે.