બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને શૂટઆઉટમાં હરાવ્યું, 1-1ની બરોબરી બાદ 2-1થી ન્યુઝીલેન્ડને આપી હાર
ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં રેકોર્ડ સર્જ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને શૂટઆઉટમાં હરાવ્યું હતું. ભારતે મુખ્ય મેચ ન્યુઝીલેન્ડ સાથે 1-1થી ડ્રોમાં રમી હતી. આવી સ્થિતિમાં મેચનું પરિણામ શૂટઆઉટ દ્વારા ડ્રો કરવામાં આવ્યું હતું, જેમાં ભારતનો વિજય થયો હતો. ભારતે શૂટઆઉટ 2-1થી જીત્યું અને આ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજી વખત મેડલ જીત્યો છે. આ ગેમ્સમાં ભારતની મહિલા હોકીમાં પ્રથમ બ્રોન્ઝ છે. ટીમે અત્યાર સુધીમાં એક ગોલ્ડ (2002) અને એક સિલ્વર (2006) મેળવ્યો હતો.
બ્રોન્ઝ મેડલ મેચનો પ્રથમ ક્વાર્ટર ગોલ રહિત રહ્યો હતો. બંને ટીમોએ ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ ગોલ થઈ શક્યો નહોતો. આ પછી ભારતીય ટીમ બીજા ક્વાર્ટરમાં 1-0ની સરસાઈ મેળવવામાં સફળ રહી હતી. પરંતુ ત્રીજો ક્વાર્ટર ફરી ગોલ રહિત રહ્યો હતો. મેચનો બીજો ગોલ અને ન્યુઝીલેન્ડ તરફથી પ્રથમ ગોલ ચોથા ક્વાર્ટરની છેલ્લી ક્ષણોમાં જોવા મળ્યો હતો, જે બાદ 4 ક્વાર્ટર બાદ મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. ભારત માટે ગોલકીપર સવિતાએ ન્યૂઝીલેન્ડના 3 શૂટને નિષ્ફળ બનાવ્યા હતા. 16 વર્ષ બાદ ભારતીય મહિલા હોકી ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સફળ રહી છે.