છેલ્લા એક સપ્તાહથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ, સરેરાશ રૂા.૪ કરોડની કિંમતની ૨૦ મિલીયન યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન, વીજ ઉત્પાદન બાદ ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે
કેનાલ હેડ પાવર હાઉસના ૦૧ યુનિટ મારફત દરરોજ સરેરાશ રૂા.૧૦ લાખની કિંમતનું ૦.૫ મિલીયન યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. રાજપીપલા
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૫ મી જુલાઇ,૨૦૨૨ ને સોમવારના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે ૧૨૬.૬૬ મીટરે નોંધાયેલ છે. અને દર કલાકે ૧૦ થી ૧૨ સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે જ્યારે ડેમમાં ૧.૩૦ લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૬૧૦૧.૩૨ મિલીયન ક્યુબીક મીટર નોંધાયેલ છે. છેલ્લા એક સપ્તાહથી હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું હોવાની જાણકારી સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરશ્રી તરફથી પ્રાપ્ત થઇ છે.
સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એક સપ્તાહથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯ મીટરે હતી. હાલમાં છેલ્લા દસેક દિવસથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ સરેરાશ ૨૪ કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૪ કરોડની કિંમતની ૨૦ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.
તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળું એક કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં ૦.૫ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ દરરોજ સરેરાશ રૂા.૧૦ લાખની કિંમતનુ ૦.૫ મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૩,૫૦૦ ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.