કોવિંદે પોતાની પાછળ એક વારસો છોડ્યો છે જ્યાં ભારતીય બંધારણને ઘણી વખત કચડી નાખવામાં આવ્યું- મહેબૂબા મુફ્તિએ ટ્વિટ કરીને મૂક્યો આરોપ
રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થયો. રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદ પરથી હટી જતાં જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીના નિશાના પર આવ્યા હતા. મહેબૂબા મુફ્તીએ કહ્યું, કોવિંદે પોતાની પાછળ એક વારસો છોડ્યો છે જ્યાં ભારતીય બંધારણને ઘણી વખત કચડી નાખવામાં આવ્યું હતું.
દ્રૌપદી મુર્મુએ સોમવારે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ સાથે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર નિશાન સાધ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આઉટગોઇંગ રાષ્ટ્રપતિ (રામ નાથ કોવિંદ) પોતાની પાછળ એક વારસો છોડી ગયા છે જ્યાં ભારતીય બંધારણને ઘણી વખત કચડી નાખવામાં આવ્યું છે. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભલે તે કલમ 370, નાગરિકતા અધિનિયમ (CAA) વિશે હોય અથવા લઘુમતીઓ અથવા દલિતોને નિશાન બનાવવાની હોય. તેમણે ભારતીય બંધારણના નામે ભાજપનો રાજકીય એજન્ડા પૂરો કર્યો.
આ પહેલા મહેબૂબા મુફ્તીએ પણ ‘હર ઘર તિરંગા અભિયાન’ માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. મુફ્તીએ ટ્વીટ કર્યું, “J&Kમાં પ્રશાસન જે રીતે વિદ્યાર્થીઓ, દુકાનદારો અને કર્મચારીઓને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ચૂકવણી કરવા દબાણ કરી રહ્યું છે, એવું લાગે છે કે કાશ્મીર એક દુશ્મન પ્રદેશ છે જેને કબજે કરવાની જરૂર છે.
વાસ્તવમાં, પીએમ મોદીએ તાજેતરમાં જ જનતાને અપીલ કરી છે કે સ્વતંત્રતાના અમૃત પર્વના ભાગ રૂપે, દરેક વ્યક્તિએ 13-15 ઓગસ્ટ સુધી તેમના ઘરોમાં ત્રિરંગો ફરકાવવો જોઈએ. આ અભિયાનને ‘હર ઘર તિરંગા’ નામ આપવામાં આવ્યું છે. ભારત સરકારનું કહેવું છે કે આ અવસર પર 20 કરોડ લોકો પોતાના ઘરે ત્રિરંગો ફરકાવશે. જેની સામે મહેબૂબા મુફ્તીએ વાંધો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું, અમે 15 ઓગસ્ટ ઉજવીએ છીએ, અમે 26 જાન્યુઆરી ઉજવીએ છીએ કારણ કે અમે સ્વતંત્ર થયા હતા, એક દેશ બન્યા હતા. મુફ્તીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર મુસ્લિમ રાજ્ય હોવા છતાં અમે પાકિસ્તાન સાથે નથી ગયા. અમે ધર્મનિરપેક્ષતા માટે ભારતનો ધ્વજ સ્વીકાર્યો હતો. પરંતુ આજે આ લોકો ઘરમાં ઘુસીને ધ્વજ લહેરાવી રહ્યા છે. જ્યારે આ લોકો ભગવા ધ્વજમાં માનનારા લોકો છે. આ લોકો, જેઓ તિરંગાનું સન્માન નથી કરતા, તેઓ અમારા ઘરોમાં ઘૂસીને ઝંડા લગાવી રહ્યા છે.