ઓકલેન્ડમાં હિંસા હવે પોલીસના કંટ્રોલ બહાર, ટેઝર ગનથી આરોપીને પકડવાની કોશિશ કરતા હતા પોલીસ અધિકારી, ગુનેગારો બેખોફ તથા કાયદાના ડર વિના જીવન જીવી રહ્યા છે.
નમસ્કાર ગુજરાત ન્યુઝ. ઓકલેન્ડ
મનુરેવાના ગ્રેટ સાઉથ રોડ પર બપોરે 12.17 કલાકે ન્યુઝીલેન્ડ પોલીસે એક ગુનેગારને પકડવાનો પ્રયાસ કરી રહી હતી તેવામાં જ એક ગુનેગારે લેડી ઓફિસરને મુક્કો મારીને બેભાન કરી દીધી હતી. છેલ્લા કેટલાક સમયથી ન્યુઝીલેન્ડ પોલીસ સામે સ્થિતિ વધુ પડકારજનક બની ચૂકી છે અને ગુનેગારો બેખોફ તથા કાયદાના ડર વિના જીવન જીવી રહ્યા છે. મનુરેવાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ચર્ચા શરૂ થઇ ચૂકી છે કે ઓકલેન્ડમાં સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે.
મનુરેવા સ્ટ્રીટમાં એક મહિલા પોલીસ અધિકારી બેભાન થયા હતા ત્યારે સ્થાનિક મહિલા ડર્યા વિના દોડી ગઇ હતી અને લેડી ઓફિસરને મદદ કરી હતી. પોલીસે પુષ્ટિ કરી છે કે હુમલા બાદ 27 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કાઉન્ટીઝ માનુકાઉ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોલીસ ઓફિસરને ઇજા પહોંચાડવાના ગુના હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. જોકે વીડિયોમાં વ્યક્તિ હુમલો કર્યા બાદ ભાગવાની કોશિશ કરે છે ત્યારે અન્ય ઓફિસર ટ્રેઝર ગનથી આરોપીને પકડવાની કોશિશ કરે છે. પરંતુ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે તેની કોઇ અસર પહોંચી નહતી અને ફરીથી તે ભાગવાની પ્રયત્ન કરે છે. ઘટનામાં બીજો એક વ્યક્તિ પણ સામેલ હતો પરંતુ પોલીસ આવે તે પહેલા જ ઘટનાસ્થળેથી ભાગી ગયો છે.
સમગ્ર ઘટનાની પોલીસ યુનિયને લીધી નોંધ
NZ પોલીસ એસોસિએશનના પ્રમુખ ક્રિસ કાહિલે આ ઘટનાને “ઉશ્કેરણી વગરનો હુમલો” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે વીડિયો દ્વારા સ્પષ્ટ થાય છે કે “અત્યાચારી અને અસ્વીકાર્ય સ્તરની હિંસા”નો સામનો પોલીસ અધિકારીઓને રોજેરોજ સામનો કરે છે. હુમલાના શિકાર બનવું તે માત્ર જોબનો એક ભાગ નથી પરંતુ દરેકને સુરક્ષિત રાખવા એ પણ મહત્વનું છે અને હવે કોર્ટે જોવાનું છે કે આવા લોકોને કેવા પ્રકારનો સંદેશો આપે છે. જો પોલીસ ઓફિસર્સ જ સુરક્ષિત નથી તો તેઓ ન્યુઝીલેન્ડની સુરક્ષા કેવી રીતે કરશે?” કાહિલે કહ્યું કે એસોસિએશન આ અધિકારીને ટેકો આપવા માટે પોલીસ વેલનેસ ટીમ સાથે કામ કરશે.