ગુગલ, ફેસબુક અને વોટ્સઅપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતીય કંપનીઓને નફો આપવો પડશે
સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાના પ્લેટફોર્મમાં ઉપયોગમાં લેવાતા ન્યૂઝ કન્ટેન્ટ માટે સ્થાનિક મીડિયા કંપનીઓને પ્રોફિટ શેર કરવો પડશે
નમસ્કાર ગુજરાત ન્યુઝ .
સોશિયલ મીડિયા કંપનીઓ અને મીડિયા હાઉસ વચ્ચે આવકની વહેંચણીને લઇ ઘણાં દેશોમાં વિવાદ ચાલી રહ્યો છે. ગુગલ, ફેસબુક તથા અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ મોટો નફો રળીને પોતાના દેશમાં લઇ જતી હોય છે. જોકે આવી ટેક કંપનીઓ જે મીડિયા હાઉસના કન્ટેન્ટના મોટો નફો રળે છે તે પ્રોફિટ શેર કરવામાં માનતી નથી. ટેક કંપનીઓ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકાર હવે મીડિયા હાઉસના કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે ચૂકવણી કરવા માટે આઈટી એક્ટ લાગુ કરવાની દિશામાં કામ કરી રહી છે. ઓસ્ટ્રેલિયા, જર્મની અને ફ્રાન્સમાં આ પ્રકારનો કાયદો પહેલેથી જ અમલમાં છે.
IT ના કાયદા પર કામ ચાલુ
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે મીડિયાને જણાવ્યું હતું કે, સરકાર મોટી ટેક કંપનીઓથી ભારતના મીડિયા હાઉસને બચાવવા માટે આઈટી કાયદો લાવવા પર કામ કરી રહી છે. આ કાયદો સુનિશ્ચિત કરશે કે ગૂગલ અને ફેસબુક જેવી ટેક કંપનીઓ સાથે વ્યવહાર કરતી વખતે ભારતીય મીડિયાને નુકસાન ન થાય.
ન્યુઝ કેન્ટેન્ટમાંથી મોટો નફો રળે છે ગુગલ
ભારતના ડિજિટલ મીડિયા અને સમાચાર પત્ર પબ્લિશર્સ તેમના ઓરીજીનલ કન્ટેન્ટ માટેની આવકનો હિસ્સો ઇચ્છે છે. જ્યારે કોઈ યુઝર ગૂગલ પર કોઈ વસ્તુ સર્ચ કરે છે, ત્યારે ગૂગલ તેને સીધું જ પબ્લિશર્સની વેબસાઈટ પર લઈ જાય છે. ગૂગલને આ સર્ચથી નફો થાય છે, પરંતુ કન્ટેન્ટ પ્રોવાઇડર કશું જ પ્રાપ્ત નથી કરતું. કન્ટેન્ટ પ્રોવાઈડર્સ તેને ખોટું માને છે. ઇન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટી (INS)એ ગૂગલ વિરુદ્ધ ભારતની એન્ટિ-ટ્રસ્ટ એજન્સીમાં ફરિયાદ નોંધાવી છે. ગ્લોબલ ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઇન્ટરનેટની તેજીનો લાભ મળ્યો છે. જાહેરાતના બદલામાં આવક આસમાનને આંબી રહી છે. ટેક કંપનીઓ સતત પોતાના નફામાં વધારો કરી રહી છે. ડિજિટલ મીડિયા અને અખબાર પ્રકાશકો માને છે કે ટેક કંપનીઓના આ વિકાસમાં તેમની સામગ્રી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે દુનિયાભરના મીડિયા હાઉસને ખબર પડી કે તેઓ નુકસાન સહન કરી રહ્યા છે, ત્યારે તેઓ ભેગા થયા અને પોતાના હક માટે લડવા લાગ્યા, અને ટેક કંપનીઓ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં લાવવામાં આવેલા કાયદા ત્યાંના મીડિયા હાઉસની લડાઈનું પરિણામ છે.