હુડ્ડાના અણનમ 47 રન, મેન ઓફ ધ મેચ યુઝી ચહલની ત્રણ વિકેટ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ટીમ ઈન્ડિયાએ ડબલિનમાં રમાયેલી T20 શ્રેણીની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતની જીતમાં દીપક હુડ્ડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શાનદાર ઇનિંગ રમી હતી. દીપકની સાથે યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરી હતી. આ બંને બોલરોએ એક-એક વિકેટ લીધી હતી. વરસાદના કારણે આ મેચ લાંબા સમય સુધી શરૂ થઈ શકી ન હતી. જેના કારણે 12-12 ઓવરની મેચ રાખવામાં આવી હતી. આયર્લેન્ડ માટે હેરી ટેક્ટરે તોફાની અડધી સદી ફટકારી હતી.
9.2 ઓવરમાં ભારતે મેળવી જીત
પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 109 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે 9.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે દીપક હુડા અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન કિશને તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 11 બોલમાં 26 રન બનાવ્યા હતા. ઈશાનની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ઈશાનના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. દીપક હુડ્ડા 47 રને અણનમ રહ્યો હતો. તેણે 29 બોલનો સામનો કર્યો અને 6 ફોર અને 2 સિક્સર ફટકારી. જ્યારે દિનેશ કાર્તિક 5 રન બનાવી અણનમ રહ્યો હતો.
આયર્લેન્ડએ 12 ઓવરમાં 108 રન નોંધાવ્યા
પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 12 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા. ટીમ માટે હેરી ટેક્ટરે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 33 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સ સામેલ હતી. ટકરે 18 રનનું યોગદાન આપ્યું હતું. ડોકરેલ 4 રન બનાવી અણનમ રહ્યો હતો. કેપ્ટન બલબિરાની ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને અવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી.