અશ્વિન હાલમાં ક્વોરેન્ટાઈનમાં અને તમામ પ્રોટોકોલ આવશ્યકતાઓને પૂર્ણ કર્યા પછી જ ટીમ સાથે જોડાશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ભારતના સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. આ કારણે તે પાંચમી ટેસ્ટ માટે તેના સાથી ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ જઈ શક્યો નહોતો. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે અશ્વિન હાલમાં ક્વોરેન્ટાઈનમાં છે અને તમામ પ્રોટોકોલ આવશ્યકતાઓને પૂર્ણ કર્યા પછી જ ટીમ સાથે જોડાશે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે અશ્વિન ટીમની સાથે યુકે ગયો નથી કારણ કે તેણે રવાના થતા પહેલા કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તે સંક્રમિત જોવા મળ્યો હતો. પરંતુ અમને આશા છે કે તે 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ મેચ પહેલા સ્વસ્થ થઈ જશે.
કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, ઋષભ પંત અને શ્રેયસ અય્યરને છોડીને તમામ ખેલાડીઓ 16 જૂને લંડન પહોંચી ગયા હતા. તે જ સમયે, રોહિત 18 જૂને લંડન પહોંચ્યો હતો. હવે તમામ ખેલાડીઓ લેસ્ટર પહોંચી ગયા છે. અહીં ટીમ ઈન્ડિયા 24 જૂનથી કાઉન્ટી ટીમ લેસ્ટર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. કોચ દ્રવિડ, શ્રેયસ અને પંત સોમવારે લેસ્ટર પહોંચ્યા હતા.