અમદાવાદ પોલીસના કાર્યક્રમ ‘પહેલ’માં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ, ‘પહેલ’ કાર્યક્રમ બદલ અમદાવાદ પોલીસ અભિનંદનને પાત્ર- હર્ષ સંઘવી

અમદાવાદ પોલીસ દેશની પોલીસ માટે રોલ મોડેલ, અમદાવાદ પોલીસમાં સંવેદનશીલતા સૌથી વધુ- હર્ષ સંઘવી

કેતન જોશી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે પોલીસ પ્રજાની મિત્ર બની રહે અને સંબંધો વધુ સૌહાર્દ પૂર્ણ બને તે માટે ગુજરાત પોલીસ, ગાહેડ અને ક્રેડાઈના સંયુકત સહયોગથી ‘પહેલ’ સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તથા શહેર પોલીસના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અમદાવાદ પોલીસ દેશની પોલીસ માટે રોલ મોડેલ- હર્ષ સંઘવી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ જ સંવેદનશીલતાને પગલે પરિણામો ઝડપથી મળી રહ્યા છે, હવે પ્રારંભથી જ આ પરિણામો મળી રહ્યા છે ત્યારે આગામી સમય પણ શ્રેષ્ઠ રહેશે. ટ્રાફિક પોલીસની અંદર લાવવામાં આવતા બદલાવોમાં પણ સર્વશ્રેષ્ઠ કામગીરી, આ ઉપરાંત એલઆરડીથી લઇને સૌથી ટોચના અધિકારીઓ વચ્ચેની આત્મીયતા માટે પણ આ ‘પહેલ’ સેમિનાર પ્રશંસાને પાત્ર છે. સાથે જ દેશમાં અમદાવાદ પોલીસ દેશભરની પોલીસ માટે રોલમોડેલ હોવાનો દાવો કરીને શેહર પોલીસની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી.

એરિયા એડોપ્શન સ્કીમ દેશ માટે દિશા ચિંધનારી- હર્ષ સંઘવી
નોંધનીય છે કે ‘પહેલ’ સેમિનારની સાથે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા એરિયા એડોપ્શન સ્કીમ (AAS)ની પણ શરૂઆત થઇ છે. હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમદાવાદ ટ્રાફિક પોલીસે શરૂ કરેલો આ નવતર પ્રયોગ સમગ્ર દેશ માટે એક દિશા ચિંધનારી પહેલ છે. લોકોની સહભાગી સાથે શહેરની દરેક ગલી સુધી પહોંચવા માટેનું ધ્યાન આ પ્રોજેક્ટમાં રાખવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિકની અવ્યવસ્થાને વ્યવસ્થિત રાખવાનો નિકાલ ક્યારેય મેમો થકી નથી આવવાનો પરંતુ હાલ જે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા જે પ્રકારે એરિયા એડોપ્શન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે તેના થકી જરૂરથી આપણને ટ્રાફિકની દિશામાં જરૂરી સફળતા મળશે તેવો વિશ્વાસ હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો હતો. સાથે જ હર્ષ સંઘવીએ આશા વ્યક્ત કરી હતી કે અમદાવાદ ટ્રાફિક વિભાગના અધિકારીઓ દેશ વ્યાપી આ પ્રોજેક્ટ થકી કાર્ય થાય તેવા પ્રયાસ પણ હાથ ધરશે.

વિસ્તારોની ટ્રાફિક સમસ્યા AASથી ઉકેલાશે
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એરિયા એડોપ્શન સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેનો અમલ થોડા સમયમાં જ સમગ્ર શહેરમાં કરવામાં આવશે. સ્થાનિક સ્તરે આવેલા સાંકડા રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હંમેશા માથાના દુખાવા સમાન રહેતી હોય છે અને અમદાવાદ પોલીસ દ્વારા આ દિશામાં એરિયા એડોપ્શન સ્કીમ બહાર લાવવામાં આવી છે. જેના થકી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. માત્ર આટલું જ નહીં પરંતુ હર્ષ સંઘવીએ સૂચન કર્યું હતું કે દૈનિક ડોક્યુમેન્ટેશન અને રિસર્ચના આધારે પોલીસ વિભાગ એક રિપોર્ટ તૈયાર કરે જેથી ભવિષ્યમાં સીધું જ તેનું નિવારણ આસાનીથી દેશની કોઇપણ પોલીસને મળી શકે છે.

અમદાવાદ પોલીસ દ્વારા 50 હજાર મહિલાઓ પર કરાયેલા સર્વેની પ્રશંસા
આ ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસના એક સર્વેનો પણ પોતાના ઉદબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. જેમાં અમદાવાદ શહેરની વિવિધ સેક્ટરની 50 હજાર મહિલાઓનો સર્વે ઓનલાઇન અને ઓફલાઇનના માધ્યમથી કરવામાં આવ્યો હતો. લો એન્ડ ઓર્ડરની સાથે સોશિયલ સેક્ટરને પણ આ સર્વેમાં જોડવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સર્વેના આધારે ભવિષ્યની સ્થિતિને પહોંચી વળવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યા છે, જેના થકી જો લો એન્ડ ઓર્ડરની સ્થિતિ વણસે તો તેનું નિવારણ ઝડપથી લાવી શકાય. આ પ્રોજેક્ટમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સહયોગ અમદાવાદ પોલીસ દ્વારા લેવામાં આવ્યો હતો. ગૃહરાજ્ય મંત્રીએ એલાન કર્યું હતું કે હવે આ સર્વેને ગુજરાતના તમામ જિલ્લા પોલીસ સુધી મહિલા સુરક્ષા અર્થે લઇ જવામાં આવશે.