ફિલ્મ રીવ્યુ નમસ્કાર ગુજરાત
પ્રેમ પ્રકરણ, એક એવી સંગીતમય લવ સ્ટોરી જેની શરૂઆત નાના ગામડાથી થાય છે અને તેનો રોમાંચક અંત શહેરમાં આવીને પૂર્ણ થાય છે. પ્રેમ પ્રકરણ એ એક ગાયક આદિત્ય (ગૌરવ પાસવાલા) વિશેની વાર્તા છે જેના સ્ટારડમમાં વધારો થયો હતો, પરંતુ બાળપણથી સ્ટારડમ સુધીની સફરમાં તેનો અપૂરતો પ્રેમ આરતી (દીક્ષા જોશી) સતત તેની સામે આવ્યા કરે છે. આ તરફ રિયા (એશા કંસારા) આદિત્યને સફળ ગાયક કલાકાર બનાવવા સહારો બને છે. જોકે પોતાના જ જીવનમાં ખોવાયેલો આદિત્ય આખરે આરતી અને રિયામાંથી કોઇ એકને જીવનસાથી બનાવવા માટે અસમંજસની સ્થિતિમાં મૂકાય છે.
ફિલ્મ થોડી લાંબી હોવા છતાં, તમે એક દર્શક તરીકે થાકી જશો નહીં અને સ્ક્રિપ્ટ દ્વારા ઓફર કરેલા પ્રેમમાં ભીંજાઈ જશો. જેમ જેમ વાર્તા આગળ વધે છે, આદિત્યનો પ્રેમ અનેક ગણો વધતો જાય છે અને તે તેને પૂર્ણ કરવાનું અથાગ મહેનત કરે છે. સ્કૂલ સમયે શરૂ થયેલો પ્રેમ સતત તાજગી આપે છે અને તમને પણ સ્કૂલ સમયના એ દિવસોની યાદ અપાવે છે.
નવોદિત ગૌરવ પાસવાલાએ આદિત્ય તરીકે સ્ક્રીન પર શ્રેષ્ઠ દેખાવ કર્યો છે, જેમાં તેના ત્રણ અલગ અલગ સ્વરૂપ જોવા મળે છે. જ્યાં તેણે એક શાળાએ જતા છોકરા અને પછી રોકસ્ટાર તરીકેની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. આ તરફ કોલેજ લાઇફમાં તેનો જોડીદાર મૌલિક ચૌહાણ પણ અભિનયની પાઠશાળામાં અવ્વલ સાબિત થયો છે. બીજી તરફ આરતી, એક નાનકડા શહેરની છોકરી, દિક્ષા જોશી પણ છેલ્લી ફ્રેમ સુધીના અભિનયમાં વિશ્વાસથી ભરપૂર જોવા મળે છે. તેમાંય કાઠિયાવાડી રોલને દિક્ષાએ સંપૂર્ણ ન્યાય આપ્યો છે. રિયા તરીકે એશા કંસારા તેના ગ્લેમરસ દેખાવ પ્રમાણે રોલ સાથે સંપૂર્ણ જીવી છે. ફિલ્મમાં રિયાએ પોતાના અભિનયની છાપ દર્શકો પર છોડી છે.
અભિનયની સાથે ફિલ્મના સંગીત અને ગીતોએ ચાર ચાંદ લગાવ્યા છે. પ્લેબેક સિંગર અને સંગીતકાર અમિત ત્રિવેદીએ પણ લગની, જીદ્દ અને યાદો તારી માટે પોતાનો અવાજ અને સંગીત આપ્યા છે. તો સિદ્ધાર્થ ભાવસાર અને જીગરદાન ગઢવીનો અવાજ પણ સંગીતને ચાર ચાંદ લગાવે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને નીરેન ભટ્ટના ગીતો સતત તમને તાજગી આપે છે. આ ફિલ્મનું નિર્માણ સંજય ભટ્ટ અને કેવિન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, અને ચંદ્રેશ ભટ્ટ દ્વારા રચિત અને નિર્દેશિત છે.