તુર્કીનું જહાજ 56,877 ટન ઘઉંથી ભરેલું હતું, હવે કંડલા પોર્ટ પર પરત આવશે કોર્પોરેટ અથવા પોલિટિકલ વોર વધુ હોવાનો અંદાજ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઘઉંની કટોકટી વચ્ચે તુર્કીએ ભારતથી ઘઉંનો માલ પરત કર્યો છે. તુર્કીએ કહ્યું છે કે ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ જોવા મળ્યો છે.તુર્કીએ ઘઉંમાં ફાયટોસેનિટરી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. આ પછી 29 મેના રોજ તુર્કીએ ભારતથી ઘઉંનું કન્સાઈનમેન્ટ પરત કર્યું છે.
S&P ગ્લોબલ કોમોડિટી ઇનસાઇટ્સના અહેવાલ મુજબ, તુર્કીનું જહાજ 56,877 ટન ઘઉંથી ભરેલું હતું. હવે આ જહાજ તુર્કીથી ગુજરાતના કંડલા બંદરે પરત આવનારું છે. ઈસ્તાંબુલના એક વેપારીએ જણાવ્યું કે ભારતના ઘઉંમાં રૂબેલા વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે તુર્કીના કૃષિ મંત્રાલયે આ કન્સાઈનમેન્ટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. વેપારીએ જણાવ્યું કે ઘઉંથી ભરેલું આ જહાજ જૂનના મધ્ય સુધીમાં કંડલા પરત આવશે.
ઘઉંની અછત સર્જાતા 12 દેશોએ ભારત પાસે માંગી હતી મદદ
તુર્કીએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ઘઉંની કટોકટી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘઉં ખરીદવા માટે વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવાના મોદી સરકારના નિર્ણય બાદ લગભગ 12 દેશોએ ભારત પાસે મદદ માંગી છે. ઘઉંની નિકાસ પ્રતિબંધ બાદ ભારતે 60,000 ટન ઘઉં ઈજિપ્ત મોકલ્યા હતા.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ વૈશ્વિક સ્તરે ઘઉંનો પુરવઠો ખોરવાઈ ગયો
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન બંને ઘઉંના સૌથી મોટા ઉત્પાદકો છે. વૈશ્વિક ઘઉંના બજારમાં, વિશ્વના એક ચતુર્થાંશ ઘઉં આ બે દેશોમાંથી સપ્લાય થાય છે. S&Pના રિપોર્ટ અનુસાર, આ નિર્ણયથી અન્ય નિકાસ કરતા દેશો ચિંતામાં મુકાયા છે. ઘઉંના અન્ય કન્સાઇનમેન્ટ આગામી થોડા દિવસોમાં ઇજિપ્ત સહિત અન્ય દેશોમાં આવવાના છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બજારમાં ઘઉંની અછત હતી ત્યારે ભારત સંભવિત મુશ્કેલી નિવારક તરીકે ઉભરી આવ્યું હતું.
ભારત સરકારે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. ભારતે આ નિર્ણય સ્થાનિક સ્તરે ઘઉંના ભાવને નિયંત્રિત કરવા માટે લીધો હતો. ભારતની ઘઉંની નિકાસ પર અચાનક પ્રતિબંધના કારણે લગભગ 18 લાખ ટન અનાજ બંદરો પર અટવાઈ ગયું છે. જેના કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.