દેશવ્યાપી કૌભાંડ આચરનાર ‘કેની’ પટેલની શોધખોળ તેજ, FBI એ જનતા પાસે મદદ માંગી, વર્ષ 2017 થી 2021 દરમિયાન આચર્યું હતું કૌભાંડ

વોશિંગ્ટન | 19 માર્ચ, 2026 : અમેરિકામાં રહેતા અનેક લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો ડોલરની છેતરપિંડી આચરવાના આરોપમાં ભારતીય મૂળના કલ્પેશકુમાર રસિકભાઈ પટેલ ઉર્ફે ‘કેની’ પટેલ વિરુદ્ધ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ તપાસ તેજ કરી છે. વર્ષ 2017 થી 2021 દરમિયાન આચરવામાં આવેલા આ દેશવ્યાપી કૌભાંડમાં કલ્પેશ પટેલની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

એફબીઆઈના જણાવ્યા અનુસાર, કલ્પેશ પટેલ અને તેની ગેંગ નિર્દોષ લોકોને ફોન કરીને ડરાવતા હતા કે તેમની અંગત માહિતી અથવા ઓળખ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. ત્યારબાદ, કાનૂની કાર્યવાહીથી બચવા માટે પીડિતોને મોટી રકમ રોકડ અથવા પ્રીપેડ ડેબિટ કાર્ડના રૂપમાં અલગ-અલગ સરનામે મોકલવા માટે દબાણ કરવામાં આવતું હતું.

આરોપીની વિગત અને વર્ણન

  • નામ: કલ્પેશકુમાર રસિકભાઈ પટેલ (ઉર્ફે: કેની, મેક્કો, કલ્પેશ પટેલ)
  • ઉંમર: 33 વર્ષ (જન્મ તારીખ: 17 મે, 1991, ભારત)
  • દેખાવ: ઊંચાઈ 5 ફૂટ 9 ઈંચ, વજન આશરે 185 પાઉન્ડ, કાળા વાળ અને કથ્થઈ આંખો.
  • વ્યવસાય: ભૂતકાળમાં ગેસ સ્ટેશન એટેન્ડન્ટ, કેશિયર અને સ્ટોર વર્કર તરીકે કામ કરી ચૂક્યો છે.
  • સંભવિત રહેઠાણ: તે અમેરિકાના ઈલિનોઈસ (Illinois) અને પેન્સિલવેનિયા (Pennsylvania) સ્ટેટમાં હોવાની અથવા ત્યાં અવરજવર કરતો હોવાની આશંકા છે.

કાનૂની કાર્યવાહી

કલ્પેશ પટેલ વિરુદ્ધ 22 જૂન, 2023 ના રોજ કેન્ટુકી (Kentucky) માં ફેડરલ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેના પર મેઈલ ફ્રોડ અને વાયર ફ્રોડના કાવતરાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. એફબીઆઈએ તેને ‘ફ્યુજિટિવ’ (ભાગેડુ) જાહેર કર્યો છે અને જનતાને વિનંતી કરી છે કે જો કોઈને તેની ભાળ મળે તો તુરંત નજીકની એફબીઆઈ ઓફિસ અથવા અમેરિકન એમ્બેસીનો સંપર્ક કરે.

અન્ય એક કેસ: ભદ્રેશકુમાર પટેલ પર $1,000,000 નું ઇનામ

એફબીઆઈએ તાજેતરમાં જ અન્ય એક ભારતીય નાગરિક ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ પર ઇનામની રકમ વધારીને 10 લાખ ડોલર (આશરે ₹8.3 કરોડ) કરી છે. ભદ્રેશકુમાર એફબીઆઈની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં સામેલ છે. વર્ષ 2015 માં તેણે મેરીલેન્ડમાં એક ડોનટ શોપમાં પોતાની પત્ની પલક પટેલની હત્યા કરી હતી અને ત્યારથી તે ફરાર છે. અધિકારીઓ માને છે કે તે અમેરિકા છોડીને ભાગી ગયો હોઈ શકે છે.