કોરિયો બેઠક પર ગુજરાતી મૂળના મનીષ પટેલને હરાવનાર રિચર્ડ માર્લ્સ બન્યા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, સેનેટર વોંગ વિદેશ મંત્રી, જીમ ચેલમર્સ ટ્રેઝરર, કેટી ગેલેગરની નાણા મંત્રી તરીકે વરણી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
એન્થોની અલ્બેનીઝને ઓસ્ટ્રેલિયાના નવા નેતા તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે અને તેમની સાથે અન્ય ચાર મંત્રીઓએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લઇ લીધા છે. પીએમ અલ્બેનીઝ અને વિદેશ મંત્રી સેનેટર પેની વોંગ શપથ બાદ તુરંત જ QUAD બેઠક માટે જાપાન જવા રવાના થયા હતા. હાલ લેબર પાર્ટીને સરકાર બનાવવા માટે વધુ ચાર બેઠકો જોઇએ છે અને તે સ્પષ્ટ નથી કે મિસ્ટર અલ્બેનીઝ બહુમતી બનાવશે કે ક્રોસબેન્ચર્સના સમર્થનથી શાસન કરશે.
કોને ક્યું મંત્રીપદ મળ્યું ?
રિચાર્ડ માર્લ્સની ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને રોજગાર પ્રધાન તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે જિમ ચેલમર્સ ખજાનચી છે, અને કેટી ગેલેઘરને એટર્ની-જનરલ અને નાણા પ્રધાન બનાવાયા છે. લગભગ એક દાયકામાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ લેબર સરકાર છે. પાર્ટીએ નીચલા ગૃહની 72 બેઠકો જીતી લીધી છે પરંતુ બહુમતી બનાવવા માટે જરૂરી 76 બેઠકો સુધી પહોંચવા માટે ઇન્ડીપેન્ડેન્ટ તથા અન્ય પક્ષો સાથે ચર્ચા જારી છે.
ગુજરાતી મૂળના મનીષ પટેલને હરાવનાર રિચર્ડ માર્લ્સ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા
ગીલોંગની કોરિયો બેઠક પર મનીષ પટેલ અને રિચર્ડ માર્લ્સનો આમનો સામનો થયો હતો. જેમાં 2007થી ચૂંટાઇ આવતા માર્લ્સે મનીષ પટેલને એકતરફી મુકાબલામાં હાર આપી હતી. જોકે બંને નેતાઓના વોટ પર્સન્ટેજમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અન્ય ઉમેદવારોને તેનો સીધો લાભ જોવા મળ્યો હતો.
પ્રથમવાર એશિયન મૂળના વ્યક્તિને વિદેશ મંત્રી બનાવાયા
પેની વોંગે વિદેશી બાબતોના પ્રધાન તરીકે શપથ લઇ લીધા છે. આવું પહેલીવાર બન્યું છે કે કોઇ એશિયન મૂળના નેતાને કેબિનેટ મિનિસ્ટર બનાવવમાં આવ્યા છે. નોંધનીય છે કે વોંગે જુલાઈ 2016 થી છ વર્ષ સુધી વિપક્ષમાં શેડો વિદેશ મંત્રાલયનો પોર્ટફોલિયો સંભાળ્યો હતો. હાલ સેનેટર વોંગ પેસિફિક અને દક્ષિણ-પૂર્વ એશિયા માટે લેબરના મુખ્ય નવા પેકેજની ચર્ચા કરવા માટે ટોક્યો ખાતે ક્વોડ બેઠકમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. પેની વોંગ મૂળ મલેશિયાના છે અને સૌપ્રથમ 2001માં દક્ષિણ ઓસ્ટ્રેલિયન સેનેટર તરીકે ચૂંટાયા હતા અને જ્યારે 2007 અને 2010 ની વચ્ચે લેબર સરકારમાં છેલ્લી વખત હતી ત્યારે ક્લાઇમેટ ચેન્જ મંત્રીના હોદ્દા પર હતા.
ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાઠવી શુભેચ્છા
જાપાન પહોંચ્યા બાદ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના નવા વિદેશ મંત્રી સેનેટર પેની વોંગને મળ્યા હતા અને શુભેચ્છા પણ પાઠવી હતી. જયશંકરે તેમની સાથેની મુલાકાતનો ફોટો ટ્વિટ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત સંબંધોને આગળ ધપાવવા માટે કટિબદ્ધ છીએ.