અમેરિકાના ‘એપિક ફ્યુરી’ ઓપરેશને વિશ્વને ચોંકાવ્યું, જાણો કેવી રીતે રખાય છે સૈન્ય અભિયાનોના નામ?

ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો વિશેષ અહેવાલ : 6 માર્ચ, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. 28 ફેબ્રુઆરી, 2026થી શરૂ થયેલા ઈરાન પરના આ ભીષણ યુદ્ધમાં 5 માર્ચ, 2026 સુધીમાં 1200થી વધુ ઈરાની નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. આ હુમલાને અમેરિકાએ ‘Epic Fury’ (ભયંકર ગુસ્સો) નામ આપ્યું છે. આ નામ સૈન્ય પરંપરા કરતાં થોડું અલગ અને વધુ આક્રમક હોવાથી વિશ્વભરમાં તેની ચર્ચા શરૂ થઈ છે.

યુદ્ધ કે સૈન્ય ઓપરેશનના નામ રાખવા પાછળ માત્ર ઉત્સાહ નહીં, પણ એક ચોક્કસ વ્યૂહરચના, મનોવિજ્ઞાન અને ક્યારેક કમ્પ્યુટર અલ્ગોરિધમ પણ કામ કરતું હોય છે. ‘Operation Epic Fury’ નામમાં બે શબ્દોનો સમન્વય જોવા મળે છે: ‘Epic’ એટલે ભવ્ય, જે ઓપરેશનની વિશાળતા દર્શાવે છે, અને ‘Fury’ એટલે તીવ્ર ક્રોધ, જે દુશ્મન પર કરવામાં આવતા પ્રહારની તાકાતનો નિર્દેશ કરે છે. સામાન્ય રીતે અમેરિકન સેના આવા નામોનો ઉપયોગ દુશ્મનને રોકવા માટે કરે છે, જેનો સંદેશ સ્પષ્ટ હોય છે: “જો તમે હદ વટાવશો, તો અમારો જવાબ અત્યંત આક્રમક હશે.”

અગાઉના સમયમાં નામ નૈતિક ઉદ્દેશ્ય વ્યક્ત કરતા હતા, જેમ કે 2001માં ‘ઓપરેશન એન્ડ્યુરિંગ ફ્રીડમ’ (લાંબી આઝાદી) અને 2003માં ‘ઓપરેશન ઈરાકી ફ્રીડમ’. જોકે, ઇતિહાસના જાણીતા ઓપરેશન્સ જોઈએ તો:

  • ઓપરેશન નેપ્ચ્યુન: ઇતિહાસનું સૌથી મોટું દરિયાઈ આક્રમણ.
  • ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ: 1991માં ઇરાક સામેનું હાઇ-ટેક યુદ્ધ.
  • ઓપરેશન બ્લુ સ્ટાર: ભારતીય સેનાનું સુવર્ણ મંદિરમાં ઓપરેશન.
  • ઓપરેશન વિજય: 1999નું કારગિલ યુદ્ધ.
  • ઓપરેશન નેપ્ચ્યુન સ્પિયર: ઓસામા બિન લાદેનને ખતમ કરવા માટેનું મિશન.

સૈન્ય ઓપરેશનના નામ રાખવાની રીત સમય જતાં બદલાઈ છે. બીજા વિશ્વયુદ્ધ સુધી ગુપ્તતા જળવાય તેવા નામ (જેમ કે ‘ઓપરેશન બાર્બરોસા’) રાખવામાં આવતા હતા. આજે મનોવૈજ્ઞાનિક પ્રભાવ પાડવા માટે કમ્પ્યુટર પ્રોગ્રામનો ઉપયોગ થાય છે. ભારતે 1948માં હૈદરાબાદને ભેળવવા માટે ‘ઓપરેશન પોલો’ કર્યું હતું, કારણ કે ત્યાં દુનિયામાં સૌથી વધુ ‘પોલો’ ગ્રાઉન્ડ હતા.

તો આ નામ નક્કી કોણ કરે છે? ભૂતપૂર્વ અમેરિકન મરીન કર્નલના મતે, આ નામો સૈન્ય અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી યાદીમાંથી પસંદ કરવામાં આવે છે. આ નામ સૈનિકોનો ઉત્સાહ વધારવા અને દુશ્મનને ડરાવવા માટે હોય છે. 1970ના દાયકાથી નવા દિશાનિર્દેશો લાગુ કરાયા છે, જેથી ‘ઓપરેશન કિલર’ જેવા વિવાદાસ્પદ નામ ન અપાય. નિયમ મુજબ, નામ શાલીનતાને ઠેસ ન પહોંચાડતા અને દ્વિ-શબ્દી હોવા જોઈએ. અંતે, ઓપરેશનના નામ રાખવા એ એક કલા છે, વિજ્ઞાન નહીં!