કેપ્ટનશિપ વિવાદથી રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સ મેનેજમેન્ટથી નારાજ હોવાના અહેવાલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022 (IPL 2022) સીઝન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે સારી રહી નથી. ટીમને 9 હારનો સામનો કરવો પડ્યો, ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી નહીં. પરંતુ આ બધાની વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી મહત્વપૂર્ણ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાથેના સંબંધોને અસર પહોંચી હોવાના અહેવાલ બહાર આવી રહ્યા છે. નોંધનીય છે કે સિઝન પહેલા રવીન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જોકે ખરાબ પ્રદર્શનને કારણે તેને ટુર્નામેન્ટના અધવચ્ચે જ કેપ્ટનશિપમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના બીજા જ દિવસે જાડેજા ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઈ ગયો હતો.

ઇનસાઇડ સ્પોટ્સ વેબસાઇટનો દાવો, CSKના નિર્ણયથી જાડેજા દુખી

આ બધા વિવાદ વચ્ચે હવે માહિતી મળી રહી છે કે રવિન્દ્ર જાડેજા આ સમગ્ર એપિસોડથી ખૂબ નારાજ છે. ખેલ વેબસાઇટ ઇનસાઇડસ્પોર્ટે નજીકના મિત્રોને ટાંકીને જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજા ખૂબ જ દુઃખી અને પરેશાન છે. કેપ્ટનશિપના વિવાદને વધુ સારી રીતે હેન્ડલ કરી શકાયો હોત. બધું અચાનક જ કરવામાં આવ્યું હતું અને પદ્ધતિ પણ યોગ્ય નહોતી. જે રીતે બન્યું તેનાથી કોઈપણ ગુસ્સે થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે આ ટિપ્પણી પછી કોઈ નિવેદન આપ્યું નથી. તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL-2022ના બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ચેન્નાઈની શરૂઆત ખરાબ રહી અને ટીમ પ્રથમ 8 મેચમાંથી 6માં હારી ગઈ. આ પછી, રવિન્દ્ર જાડેજાના સ્થાને એમએસ ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો.

ઇન્સ્ટાગ્રામ પર પણ CSKએ જાડેજાને કર્યો અનફોલો

બીજી જ મેચમાં રવિન્દ્ર જાડેજાને ઈજા થઈ હતી. બાદમાં તે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ રમી શક્યો ન હતો અને પછી ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઈ ગયો હતો. એવા અહેવાલો પણ હતા કે ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે, રવિન્દ્ર જાડેજા પોતે પણ ઈન્સ્ટાગ્રામ પર કોઈને ફોલો કરતા નથી.