ભાજપમાં હાર્દિક પટેલ જોડાશે તેવી અટકળો તેજ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
છેલ્લા 8 વર્ષથી કોંગ્રેસ એક પછી એક લોકસભાથી લઈને વિધાનસભા ચૂંટણીમાં સતત હારતી રહી છે. આખરે ક્યા કારણોસર 60 વર્ષથી દેશ પર રાજ કરનાર દેશની આટલી મોટી પાર્ટી હારી રહી છે ત્યારે રાજસ્થાનના ઉદયપુરમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કોંગ્રેસનું સમગ્ર ધ્યાન સંગઠનમાં ફેરફાર અને આગામી લોકસભા ચૂંટણી માટેના એક્શન પ્લાન પર રહેશે. ગુજરાતના નારાજ યુવા નેતા હાર્દિક પટેલ આમંત્રણ છતાં કોંગ્રેસના ચિંતન શિબિરમાં પહોંચ્યા ન હતા. તેમના સિવાય જી-23ના નેતા કપિલ સિબ્બલ પણ આ ચિંતન શિબિરમાં પહોંચ્યા નથી.
આમંત્રણ છતાં હાર્દિક પટેલ ન પહોંચ્યો
આપને જણાવી દઈએ કે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર તેને ઉદયપુર આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, કોંગ્રેસે દેશના અન્ય રાજ્યોના કાર્યકારી પ્રમુખોને ચિંતન શિબિરમાં આમંત્રણ આપ્યું નથી. ચિંતન શિબિરમાં સામેલ કુલ 430 પ્રતિનિધિઓમાં યુવા નેતા કન્હૈયા કુમારનું નામ પણ સામેલ છે. લાંબા સમયથી ઉપેક્ષિત એવા વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદી પણ ચિંતન શિબિરમાં હાજર છે.
ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષની ચર્ચા નહીં થાય
આ ચિંતન શિબિર ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં આજે અને આવતીકાલે સાંજ સુધી વિવિધ મુદ્દાઓ પર જુદા જુદા જૂથોમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ જે પ્રસ્તાવ તૈયાર થશે તેના પર 15મી મેના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહોર મારવામાં આવશે. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું છે કે 19 વર્ષ પછી કોંગ્રેસ આવી ચિંતન શિબિર કરી રહી છે, તે સારું પગલું છે. દરેકને ખચકાટ વિના પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક મળવી જોઈએ. તે જ સમયે, તમને જણાવી દઈએ કે આ ચિંતન શિબિરમાં પાર્ટી અધ્યક્ષ વિશે કોઈ ચર્ચા થશે નહીં, પરંતુ મોટી માહિતી સામે આવી છે કે રાહુલ ગાંધી પાર્ટીની બાગડોર સંભાળવા માટે ગંભીરતાથી વિચાર કરી શકે છે.
કોંગ્રેસનું ચિંતન એ ભાજપની ચિંતા- રાજીવ શુક્લા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ કહ્યું છે કે ભાજપની ચિંતા કોંગ્રેસના ચિંતન શિબીરથી શરૂ થઈ છે. શુક્લાએ કોંગ્રેસના એક પરિવાર એક ટિકિટ પ્રસ્તાવમાં ગાંધી પરિવારને છૂટ આપવા અંગે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુના ટ્વિટ પર પલટવાર કર્યો હતો. રાજીવ શુક્લાએ કહ્યું કે પાર્ટી મોટા ફેરફારો કરવા માટે મક્કમ છે.