આરટીઆઇ દ્વારા ખર્ચનો થયો ખુલાસો
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના વિસ્તરણની શરૂઆત કરી દીધી છે. આ ક્રમમાં પંજાબના સીએમ ભગવંત માન પણ અલગ-અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે. જો કે ભગવંત માનની ગુજરાત યાત્રા પર વિવાદ સર્જાયો છે. એપ્રિલમાં ભગવંત માનની મુલાકાતને કારણે પંજાબ સરકારના ખિસ્સા મોટા પ્રમાણમાં ઢીલા થઈ ગયા છે. આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું છે કે પંજાબ સરકારને નાગરિક ઉડ્ડયન વિભાગ તરફથી 44.86 લાખ રૂપિયાનું બિલ મળ્યું છે. આ બિલ મુખ્યમંત્રી ભગવંત માનની ફ્લાઇટ માટે ઉપયોગમાં લેવાતા વિમાન માટેનું છે.
ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા હતા ભગવંત માન
ભગવંત માન અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 1 થી 3 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે હતા. વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ખૂબ જ જોર લગાવી રહી છે. ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલ અને ભગવંત માન અમદાવાદમાં આયોજિત રોડ શોમાં હાજરી આપી હતી. આ સિવાય આ બંને નેતાઓ સાબરમતી આશ્રમ પણ ગયા હતા.
RTI જવાબ દ્વારા ખર્ચનો ખુલાસો
આમ આદમી પાર્ટીના સભ્ય અને ભૂતકાળમાં યુનાઇટેડ કિસાન મોરચા વતી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા હરમિલપ સિંહ ગ્રેવાલ દ્વારા એક RTI દાખલ કરવામાં આવી હતી. આ RTIમાં તેમણે સવાલ પૂછ્યો હતો કે પંજાબના સીએમ ભગવંત માનની ગુજરાત અને હિમાચલ પ્રદેશની મુલાકાત પર કેટલો ખર્ચ થયો હતો. આ RTIના જવાબમાં નાગરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું છે કે પંજાબના મુખ્યમંત્રીની 1 થી 3 એપ્રિલની વચ્ચે ગુજરાતની મુલાકાત માટે એક વિમાન ભાડે લેવામાં આવ્યું હતું. આ માટે પંજાબ સરકારે 44,85,967 રૂપિયા ચૂકવવા પડશે. આરટીઆઈના જવાબમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવંત માન હિમાચલ પ્રદેશની મુલાકાતે સરકારી હેલિકોપ્ટર પર ગયા હતા, તેથી તેમની સત્તાવાર મુલાકાતમાં નોંધ કરવામાં આવી છે.