પરવેશ વર્મા ઉપમુખ્યમંત્રી, BJPનું એલાન, બુધવારે સાંજે દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ વિધાયક દળની બેઠક બાદ રાજ્યનાં મુખ્ય મંત્રીની પસંદગી

Rekha Gupta New CM of Delhi : ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત અને મધ્યપ્રદેશ મોડલને દિલ્હીમાં પણ લાગુ કરી દીધું છે. ભાજપે રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બાદ દિલ્હીમાં પણ ઓછા જાણીતા ચહેરાને મુખ્યમંત્રીપપદ સોંપ્યું છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપે રેખા ગુપ્તાને પદનામિત મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા છે. જ્યારે પરવેશ વર્મા ઉપમુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા છે. પરવેશ વર્મા, સતીશ ઉપાધ્યાય અને વીજેન્દ્ર ગુપ્તાએ રેખા ગુપ્તાનો નામનો પ્રસ્તાવ આપ્યો હતો.

ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને ૧૧ દિવસ થઈ ગયા બાદ એલાન કર્યું છે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો, તાજેતરની કેટલીક ચૂંટણીઓમાં પણ ભાજપે ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો ન હતો, પરંતુ પાર્ટીએ પરિણામો આવ્યા પછી જ મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડે દિલ્હી પ્રદેશમાં પાર્ટી વિધાયક દળના નેતાની પસંદગી માટે સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને ભાજપના રાષ્ટ્રીય સચિવ ઓપી ધનખડને કેન્દ્રીય પર્યવેક્ષક નિયુક્ત કર્યા હતા.

દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે રેખા ગુપ્તા
રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથા મહિલા મુખ્ય મંત્રી હશે, અગાઉ સુષમા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી આ પદ પર રહી ચૂક્યાં છે. દિલ્હીમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 70 સીટમાંથી 48 સીટ જીતી હતી. 27 વર્ષ બાદ ભાજપ સત્તામાં આવ્યો છે. દિલ્હીની શાલીમાર બાગ બેઠક પરથી રેખા ગુપ્તા લગભગ 30 હજાર મતોથી જીત્યાં હતાં. તેઓ આ બેઠક પર વર્ષ 2020ની ચૂંટણીમાં નાના માર્જિનથી ચૂંટણી હારી ગયાં હતાં. રેખા ગુપ્તા દિલ્હી નગરનિગમનાં કૉર્પોરેટર પણ રહી ચૂક્યાં છે અને દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.

6 મંત્રીઓ પણ લેશે શપથ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે આજે છ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોએ આ માહિતી આપી. આમાં પ્રવેશ વર્મા, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજ, કપિલ મિશ્રા, આશિષ સૂદ અને પંકજ સિંહના નામનો સમાવેશ થાય છે. પ્રવેશ વર્માએ નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. કપિલ મિશ્રા કરાવલ નગરથી ધારાસભ્ય બન્યા છે. મનજિંદર સિંહ સિરસા રાજૌરી ગાર્ડનના ધારાસભ્ય છે. આશિષ સૂદ જનકપુરીના ધારાસભ્ય છે. પંકજ સિંહ વિકાસપુરીના ધારાસભ્ય છે. જ્યારે રવિન્દ્ર ઇન્દ્રરાજ બાવાનાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

સંભવિત મંત્રીઓનું સામાજિક સમીકરણ
પ્રવેશ વર્મા એક જાટ ચહેરો છે. સિરસા ભાજપના મોટા શીખ ચહેરા તરીકે જાણીતા છે. રવિન્દ્ર ઇન્દ્રરાજ ભાજપનો દલિત ચહેરો છે. કપિલ મિશ્રા એક બ્રાહ્મણ ચહેરો છે અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા હતા. આશિષ સૂદ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પંજાબી ચહેરો છે. હાલમાં તેઓ ગોવાના પ્રભારી અને જમ્મુ અને કાશ્મીરના સહ-પ્રભારી છે. પંકજ સિંહ પૂર્વીય ક્ષેત્રનો ચહેરો છે.

રસપ્રદ વાત એ છે કે, મુખ્યમંત્રી પદની રેસમાં ફક્ત ત્રણ નેતાઓ – પ્રવેશ વર્મા, સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજ અને આશિષ સૂદ – ના નામ લેવામાં આવી રહ્યા હતા. પરંતુ આખરે શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાનું નામ ફાઇનલ થયું.

પ્રવેશ વર્માએ રેખા ગુપ્તાના નામનો પ્રસ્તાવ મૂક્યો
બુધવારે (૧૯ ફેબ્રુઆરી) ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી. પ્રવેશ વર્મા સ્ટેજ પર પહોંચ્યા અને તેમણે રેખા ગુપ્તાનું નામ પ્રસ્તાવિત કર્યું. આ પછી, ત્યાં હાજર તમામ ભાજપના ધારાસભ્યોએ તેની સાથે સંમતિ આપી. રેખા ગુપ્તાને અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઈ.

રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ
ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ, રેખા ગુપ્તાએ પાર્ટીના ધારાસભ્યો સાથે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ધારાસભ્યોના સમર્થનનો પત્ર ઉપરાજ્યપાલને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમણે તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે.