ભારતીય પાસપોર્ટનો પાવર ઇન્ડેક્સ ઘટ્યો, પાંચ ક્રમ નીચે ફેંકાઇને હવે વિશ્વમાં 85મા ક્રમે ભારતીય પાસપોર્ટ, સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી
The Henley Passport Index : વર્ષ 2025ના વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર થઇ ચૂકી છે અને તેમાં ભારતીય પાસપોર્ટને મોટો ફટકો પડ્યો છે જ્યારે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડે પોતાનો સુધારો ચાલુ રાખ્યો છે. ન્યુઝીલેન્ડ પાંચમા સ્થાને યુનાઇટેડ કિંગડમ, સ્વિટ્ઝર્લૅન્ડ, પોર્ટુગલ અને બેલ્જિયમ સહિત ઘણા અન્ય દેશો સાથે સંયુક્ત રીતે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી છે.
આ રેન્કિંગ 2017 પછી ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ છે. તે 2015 માં ચોથા ક્રમે હતું પરંતુ 2018 અને 2019 માં 8મા ક્રમે આવી ગયું હતું. હાલના ઇન્ડેક્સ અનુસાર, ન્યુઝીલેન્ડ પાસપોર્ટ ધારકો વિશ્વભરના 227 સ્થળોમાંથી 190 સ્થળોએ વિઝા-મુક્ત પ્રવેશ મેળવી શકે છે.
વર્ષ 2025ના પ્રથમ છ મહિના માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. તે પ્રતિષ્ઠિત સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ પાસપોર્ટને તે પાસપોર્ટ ધારક કોઈપણ પૂર્વ વિઝા વિના કેટલા દેશોની મુલાકાત લઈ શકે છે તેના આધારે રેન્ક આપે છે.
સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી છે, જે ધારકોને વિશ્વના 195 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. જ્યારે જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં બીજા ક્રમે છે. જાપાની પાસપોર્ટ 193 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે. દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને ફિનલેન્ડ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. તેમનો પાસપોર્ટ 192 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રીની મંજૂરી આપે છે.
ચોથા ક્રમે ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નોર્વે, સ્વીડન અને નેધરલેન્ડ છે, જેમના પાસપોર્ટ પર 191 દેશો વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. 190 દેશોમાં પ્રવેશ સાથે, બેલ્જિયમ, પોર્ટુગલ, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટન પાસપોર્ટની યાદીમાં પાંચમા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા અને ગ્રીસ છઠ્ઠા ક્રમે છે, જે 189 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે. કેનેડા, માલ્ટા અને પોલેન્ડ વિઝા ફ્રી ટ્રાવેલ ધરાવતા 188 દેશોમાં સાતમા ક્રમે છે.
ભારતીય પાસપોર્ટની શું છે હાલત ?
ભારતનો પાસપોર્ટ વિશ્વમાં 85મા ક્રમે છે. ભારતીય પાસપોર્ટ પર વિશ્વના 57 દેશોમાં વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકાય છે. જો કે ભારતના પાસપોર્ટની રેન્કિંગમાં ગયા વર્ષની સરખામણીમાં 5 પોઈન્ટનો ઘટાડો થયો છે.સોમાલિયા, નેપાળ, પેલેસ્ટાઈન અને બાંગ્લાદેશ પાકિસ્તાનથી ઉપર છે. સોમાલિયાનો પાસપોર્ટ વિશ્વમાં 102મા ક્રમે છે.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના પાસપોર્ટની હાલત અત્યંત દયનીય છે. પાકિસ્તાન ફરી એકવાર સૌથી નબળા પાસપોર્ટ ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયું છે. પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા લોકો વિઝા વિના માત્ર 33 દેશોની મુલાકાત લઈ શકે છે. પાકિસ્તાનના પાસપોર્ટનો નંબર 103 છે. નોંધનીય છે કે ગૃહયુદ્ધમાં ફસાયેલા આરબ દેશ યમનના પાસપોર્ટનું પણ આ જ રેન્કિંગ છે. જે દેશોનો પાસપોર્ટ પાકિસ્તાન કરતા નબળો છે તેમાં ઈરાક (104મા ક્રમે), સીરિયા (105મા ક્રમે) અને અફઘાનિસ્તાન (106મા ક્રમે)નો સમાવેશ થાય છે.