મહિનાઓથી ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી, સિરીયામાં પણ અનેક મિલિટરી ઠેકાણાઓ પર ઇઝરાયેલી આર્મીની કાર્યવાહી

ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાનના લશ્કરી મથકો અને રાજધાની તેહરાન અને નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાની પુષ્ટિ ઈઝરાયેલી સેનાએ પણ કરી છે. IDF દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, મહિનાઓથી ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ હુમલાની માહિતી ઈરાની મીડિયા દ્વારા પણ આપવામાં આવી છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ઈઝરાયેલે તહેરાન નજીક અનેક સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવ્યા છે.

IDF એ હુમલાની પુષ્ટિ કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ઈરાન અને તેના પ્રોક્સીઓ 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત સાત મોરચે હુમલા કરી રહ્યા છે, જેમાં ઈરાની ધરતી પરથી સીધા હુમલાનો સમાવેશ થાય છે. વિશ્વના અન્ય સાર્વભૌમ દેશની જેમ, ઇઝરાયેલને પણ જવાબ આપવાનો અધિકાર અને ફરજ છે. અમે ઇઝરાયલ અને ઇઝરાયલી લોકોની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરીશું.

IDF એ અન્ય એક ફોટો શેર કર્યો જેમાં ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ હરઝી હલેવી, ઇઝરાયેલી વાયુસેનાના કમાન્ડિંગ ઓફિસર જનરલ ટોમર બાર સાથે, કેમ્પ રાબિન (કિરિયા) ખાતેના ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાંથી ઈરાન પર હુમલાની કમાન્ડ કરી રહ્યા છે.

બીજી તરફ, સીરિયાની સરકારી સમાચાર એજન્સી SANAના અહેવાલ મુજબ, ઇઝરાયેલે રાત્રે લગભગ 2 વાગ્યે દક્ષિણ અને મધ્ય સીરિયામાં અનેક સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. આ હુમલા તે જ સમયે થયા છે જ્યારે ઈઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. અહેવાલ મુજબ, સીરિયાએ કેટલીક ઇઝરાયેલ મિસાઇલોને તોડી પાડી હતી. અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

અમેરિકાને હુમલાની માહિતી આપી
ઈઝરાયેલ દ્વારા આ હુમલા અંગે અમેરિકાને પણ જાણ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક અમેરિકન અધિકારીએ કહ્યું કે વોશિંગ્ટન ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી વાકેફ છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રાષ્ટ્રપતિ જો બિડેનને સતત અપડેટ આપવામાં આવી રહ્યા છે.

ઈરાને ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડી હતી
તમને જણાવી દઈએ કે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના ખાત્મા અને દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલના ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે ઈરાને આ મહિનાની શરૂઆતમાં ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડી હતી. ઈરાને દાવો કર્યો હતો કે તે ઈઝરાયેલ પર હુમલો કરવાનું ચાલુ રાખશે તો ઈઝરાયેલે કહ્યું હતું કે તે સમય આવશે ત્યારે ચોક્કસ જવાબ આપશે.

ઈરાને આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ ઈઝરાયેલ પર મિસાઈલ છોડી હતી. એપ્રિલમાં ઈરાને ઈઝરાયેલ પર 100 બેલેસ્ટિક અને 30 ક્રુઝ મિસાઈલો છોડી હતી. પરંતુ આ વખતે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરનો હુમલો અગાઉના હુમલા કરતા વધુ શક્તિશાળી હતો.