આપણી દોડતી ભાગતી જિંદગીમાં ક્યારેક એકલી તો ક્યારેક સ્વતંત્ર જિંદગી એટલે વિદેશનું વૃદ્ધત્વ

કેતન જોષી. આપણું ગુજરાત

હું દરરોજ ઓકલેન્ડના બ્લોકહાઉસ બે બસ સ્ટોપ પરથી ક્વિન્સ સ્ટ્રીટ પર આવેલી ઓફિસે જઉં છું. સવાર સવારની ભાગાદોડીમાં હું ક્યારેક વહેલો પહોંચું તો ક્યારેક મોડો…. પરંતુ જ્યારે વહેલો પહોંચું તો એક સરસ મજાની ‘સ્માઇલ’નો સામનો થાય….આ સ્માઇલ એવી હોય છે જે તમારા દિવસને વધુ તાજગી આપે છે. દરરોજ સવારે રસ્તામાં ક્યારેક સ્કૂલે જતા બાળકો મળે તો ક્યારેક મોર્નિંગ વૉકમાં જતા વૃદ્ધો તો બીજીતરફ મારી જેમ ભાગાદોડી કરતા નોકરી પર જતા જુવાનીયા લોકો તો ખરા જ… પરંતુ બાળકો અને વૃદ્ધોને બાદ કરતા આ એક સ્માઇલ જુવાનીયાઓ તરફથી મળે એ દિવસ હજુ આવ્યો નથી. હશે એમની મરજી…! એમને તો બસ પોતાના કાનમાં નાખેલા એરપોડ્સમાં ચાલી રહેલા સંગીતથી જ તાજગી મળથી હશે….

અહીં મારી વાત કરું તો….આપડે રહ્યા પત્રકારત્વનો જીવ…. ન્યૂઝીલેન્ડમાં સૂર્યોદય અને ભારતમાં રાત…. બસ એક રાતમાં ત્યાં શું ઘટી ગયું હશે તે સૌથી પહેલા વેબસાઇટમાં ચકાસી લઉં અને પછી ન્યૂઝીલેન્ડના કેટલાક ન્યૂઝ ફંફોસી લઉં. હશુ મૂકો એ બધું… હું ક્યાં મારી વાતમાં લાગી ગયો…. અહીં વાત સ્માઇલની કરવી છે… આખરે કેમ જુવાનીયા એક સ્માઇલથી દૂર રહેતા હશે અને કેમ બાળકો અને વૃદ્ધો તુરંત સ્માઇલ આપતા ગભરાતા નથી….

બસ સ્ટોપ પર ઉભો હતો ત્યારે મેં આજે એક તસવીર લીધી….તસવીર જોતા જ તમને વૃદ્ધત્વનો ખ્યાલ આવ્યો હશે…. બંને મારા અંદાજ મુજબ 80-82ની ઉંમર વટાવી ચૂક્યા હશે… વાત વિદેશમાં રહેતા વૃદ્ધોની કરવી છે. એકલા અટૂલા તો ક્યારેક પરિવાર સાથે નટખટ કરતા આ વૃદ્ધો…. હસતા રમતા વૃદ્ધો (વિદેશીના) મોટાભાગે મેં વિકેન્ડમાં પાર્કમાં જોયા છે જ્યારે તેઓ પોતાના પૌત્ર કે પૌત્રીઓને રમાડતા હોય છે…. તેમના પુત્ર કે પુત્રીએ આખું વીક શું કર્યું તેની ચર્ચા માત્ર વીકેન્ડમાં થાય… આવા વૃદ્ધો માટે ક્યારેક આપણે એવું બોલીએ કે એ સ્વતંત્ર છે તો ક્યારેક કહીએ કે તેઓ એકલા છે….. નથી તેઓ સ્વતંત્ર કે નથી એકલા..! પરંતુ હું કહીશ કે એ લોકો પોતાની રીતે જિંદગી જીવી રહ્યા છે…. હંમેશા પોતાનું કામ પોતે જ કરવાનો આગ્રહ… શોપિંગે જવું હોય તો જીવનસાથીને પરેશાન નહીં કરવાના કે નહીં પુત્ર કે પૌત્રીઓને…. બસ પોતાની રીતે જ જિંદગી જીવવાની…..! પાછી અહીંની સરકાર પણ એમની એટલી ભાળ રાખે…. તેમને જે જોઇએ એવી ઘણી સુવિધાઓ પૂરી પાડે… જેમકે સ્વાસ્થ્યની સેવા કે બહાર જવું હોય તો ઉબરની સેવા… કદાચ 25 ટકા જેટલું ભાડું એ પે કરે અને બાકી સરકાર તેમના ઉબરનો ખર્ચ ઉઠાવે… પરંતુ છતાં રોજ બરોજની જિંદગીમાં કેટલાક વૃદ્ધો એવા પણ છે જે મારા દ્વારા ખેંચેલી તસવીરમાં જોઇ શકો છો…. કે પોતાનું કામ પોતે જ કરે…. આ બંને વૃદ્ધો રોલિંગ ટ્રોલી લઇને બાજુના ગ્રોસરી મોલમાં જઇ રહ્યા હતા… અહીંની રહેણી કરણી જ પહેલેથી એવી છે…. ઘણાં એવા પણ 60-65ની ઉંમર વટાવી ચૂકેલા લોકોને જોયા છે કે તેઓ જોબને અલવિદા કહ્યા બાદ પણ કોમ્યુનિટી સર્વિસ કે પોતાના બિઝનેસમાં લાગી જાય છે…વર્ષો વરસ નોકરી અને છેલ્લે છેલ્લે પોતાનો બિઝનેસ… એ પણ પોતપોતાની પસંદ છે… કોઇ કરે અને કોઇક ના પણ કરે. જેની જેવી જરૂરિયાત.

એક વખત હું જ્યારે ઓકલેન્ડમાં ટ્રસ્ટ પાવર માટે કામ કરતો હતો ત્યારે આવી જ એક મુલાકાત 92 વર્ષની દોડતી ભાગતી મહિલા સાથે થઇ હતી. તેઓએ મને 4 વાગ્યાનો સમય આપ્યો હતો મળવા માટે. મળવા માટે તેમણે 15 મિનિટ ફાળવી હતી અને પછી એ ક્યાંક બીજે જવાના હતા. હું થોડો પાંચ મિનિટ મોડો પહોંચ્યો. હું જ્યારે પહોંચ્યો ત્યારે તેઓ પોતાની અગાઉની મુલાકાતને પગલે તૈયાર બેઠા હતા. ગળામાં સરસ મોતીની માળા, એ મજાનો મેક અપ અને તેમના પર્સની બાજુમાં ગાડીની ચાવી. જતાં વહેંત જોયું કે માજી ક્યાંક પાર્ટીમાં જવાના છે. મુલાકાત 10 મિનિટમાં પૂર્ણ થઇ અને અમારી પાવર કંપનીની જાહેરાત અનુસાર તેઓએ મને કરાર માટે મંજૂરી પણ આપી દીધી અને કહ્યું કે બાકીનું કામ તમારી કંપનીવાળાને કહેજો ફોન પર પતાવી દે. હું જ્યારે ઘરની નીચે ઉતર્યો અને મારા ઉપરી સાથે વાત કરતો હતો ત્યાં તો માજી ગાડી લઇને હંકારી ગયા…. હું વિચારતો હતો કે હશે કોઇ ડ્રાઇવર પણ ના…. એવું નહતું. એ 92 વર્ષના માજી જ પોતે ડ્રાઇવ કરીને ગયા…. હું ચોંકી ગયો કે આ મેં શું જોયું. આમ તો કંઇ હોતા હશે ? પણ આ જ તો છે વિદેશી વૃદ્ધત્વ. એમનો દિકરો કેમ્બ્રીજ રહેતો હતો પરિવાર સાથે અને દર સપ્તાહે તેમને મળવા આવે….એવું એમણે મને જણાવ્યું હતું અમારી નાનકડી મુલાકાત દરમિયાન… મનમાં થયું કે કેવું સરસ, બધા જ પોતાનામાં વ્યસ્ત !

આપણે ત્યાં કાખ ઘોડી કે લાકડીનો સહારો અને અહીં રોલિંગ ટ્રોલી…! આ રોલિંગ ટ્રોલીમાં વસ્તુઓ પણ મૂકી શકાય અને ટેકો પણ આપે….સાપ્તાહિક વસ્તુઓ જ લેવાનો મોટાભાગે અહીં આગ્રહ હોય છે. આપણી જેમ નહીં કે આખા વર્ષનું ભરી નાખવાનું. હશે તેની પાછળનું કંઇક કારણ. પણ એટલું ચોક્કસ કહીશ કે અઠવાડિયે કરાતા શોપિંગથી એકવાર સરસ વૉકિંગ થઇ જાય અને વળી પાછું એમના જેવા જ મિત્રોને પણ મળી શકાય. બસ આ જ છે વિદેશનું વૃદ્ધત્વ…. એકલા રહેવાનું…. સ્વતંત્ર રહેવાનું….અને કોઇને નહીં નડવાનું…. મસ્ત મૌલા જિંદગી…