3,000 ભારતીય ગ્રેજ્યુએટ્સને તેમની કારકિર્દી શરૂ કરનાર યુવાનોને દેશમાં રહેવા અને કામ કરવા માટે વિઝા આપવામાં આવશે
બેકપેકર્સ વિઝામાં પણ ભારતીયોનો સમાવેશ કરાયો
કેતન જોષી. નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓસ્ટ્રેલિયન સરકારે તેના વાર્ષિક બજેટમાં (Federal Budget) ભારતીયોને ઘણી ભેટ આપી છે. 2022માં થયેલા કરાર હેઠળ હોલિડે વિઝા પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ભારતના લોકો માટે ખાસ વિઝા સ્કીમ શરૂ કરી છે. જેમાં 3,000 ભારતીય ગ્રેજ્યુએટ્સને યુવાનોને દેશમાં રહેવા અને કામ કરવા માટે વિઝા આપવામાં આવશે. આ અઠવાડિયે ફેડરલ બજેટમાં જાહેર કરાયેલા કેટલાક પગલાઓમાંથી આ એક છે.
1 નવેમ્બર 2024થી શરૂ થશે અમલ
1 નવેમ્બર 2024 થી, ઑસ્ટ્રેલિયા ટેલેન્ટેડ અર્લી-પ્રોફેશનલ્સ (MATES) માટે મોબિલિટી એરેન્જમેન્ટ નામની નવી યોજના શરૂ કરી રહ્યું છે. મેટ્સ એ ઓસ્ટ્રેલિયામાં મિત્ર માટે વપરાતો શબ્દ છે. આ યોજના હેઠળ 3,000 ભારતીય યુવાનોને ઓસ્ટ્રેલિયામાં રહેવા અને કામ કરવા માટે બે વર્ષના વિઝા આપવામાં આવશે. 18 થી 30 વર્ષની વયના યુવાનો આ વિઝા માટે પાત્ર હશે અને એજ્યુકેશન, સ્કિલ ડેવલોપમેન્ટ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં વ્યાવસાયિક અનુભવ માટે ઓસ્ટ્રેલિયા આવી શકશે. આ માટેની ફી $390 એટલે કે અંદાજે રૂ. 22,000 રાખવામાં આવી છે, જેમાંથી $25 એટલે કે આશરે રૂ. 1,500 પ્રી-એપ્લીકેશન ફી હશે. ઓસ્ટ્રેલિયા દ્વારા ભારત સાથેના મૈત્રી કરારને પગલે આ યોજનાની જાહેરાત ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી, જેના પર બંને દેશો વચ્ચે 2022માં થયેલા વેપાર કરારમાં સહમતિ થઈ હતી.
બંને દેશો વચ્ચેના વ્યાપારમાં વૃદ્ધિની શક્યતા
ત્યારે દેશના ઈમિગ્રેશન મિનિસ્ટર એન્ડ્રુ ગાઈલ્સે કહ્યું હતું કે, “ભારત અને ઓસ્ટ્રેલિયા મહાન સાથી (મિત્રો) છે અને આ પાયલોટ સ્કીમ કૌશલ્ય, પ્રતિભા અને પ્રગતિ માટેની તકોના આદાનપ્રદાન દ્વારા અમને નજીક લાવશે.” એપ્રિલ 2022 આ સમજૂતી બાદ ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે મોદી સરકારનો પાંચ વર્ષમાં આ પહેલો આટલો મોટો કરાર છે, જે ભારત-ઓસ્ટ્રેલિયાના વેપારમાં 27.5%નો વધારો કરશે. આશરે 20 ટ્રિલિયન રૂપિયાના વર્તમાન સ્તરથી તે વધીને 45-50 અબજ ડોલર થવાની ધારણા છે.
ભારતીયો માટે બેકપેકર્સ વિઝામાં પણ કરાયો સમાવેશ
વેપારની અન્ય શરતો ઉપરાંત, ભારતે બંને દેશો વચ્ચે એક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે. યુવાનોને ઓસ્ટ્રેલિયામાં રહેવા અને કામ કરવા માટે વિઝા આપવાની પણ માગણી કરવામાં આવી હતી, જેને ઓસ્ટ્રેલિયાએ સ્વીકારી હતી, પરંતુ ભારત-ઓસ્ટ્રેલિયા એકતા કરારમાં ભારતે તેના લોકોને વધુ એક અપીલ કરી હતી. યુરોપિયન દેશોની જેમ બેકપેકર્સ વિઝા પણ આપવા જોઈએ. ઓસ્ટ્રેલિયાના બેકપેકર્સ વિઝા, જેને સત્તાવાર રીતે સબક્લાસ 417 અને સબક્લાસ 462 વિઝા કહેવામાં આવે છે, તે અત્યાર સુધી ભારતીયો માટે ઉપલબ્ધ નહોતા.
19 દેશો માટે જ છે ઓસ્ટ્રેલિયાના બેકપેકર્સ વિઝા
આ વિઝા 18 થી 30 વર્ષની વયના યુવાનોને ઓસ્ટ્રેલિયામાં અસ્થાયી રૂપે રહેવા અને કામ કરવાનો અને અભ્યાસ કરવાનો અધિકાર આપે છે. આ વિઝા, જે 1975 માં શરૂ કરવામાં આવ્યો હતો, તે યુવાનોને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો હતો જેઓ શાળા પૂર્ણ કર્યા પછી વિશ્વની મુસાફરી કરવા માંગતા હતા, મુસાફરી કરવા તેમજ ઓસ્ટ્રેલિયામાં નાની નોકરીઓ કરવા માંગતા હતા. હંમેશા મજૂરોની અછત સાથે ઝઝૂમી રહેલા ઓસ્ટ્રેલિયા માટે આ યોજના બંને હાથમાં લાડુ સમાન સાબિત થઈ હતી. પ્રથમ, તેને વિઝા ફી અને પ્રવાસીઓના રૂપમાં પૈસા મળ્યા અને ખેતરોમાં અને અન્ય મોસમી ઉદ્યોગોમાં કામ કરવા માટે કામદારો પણ મળ્યા હતા. ભારત પણ આ યોજનામાં ભાગ લેવા માંગે છે. એકતા કરારમાં, ઓસ્ટ્રેલિયાએ 1,000 ભારતીયોને બેકપેકર્સ વિઝા આપવા સંમતિ આપી હતી, જેની જાહેરાત તેણે બજેટમાં કરી છે. અત્યાર સુધી, બેકપેકર્સ વિઝા ફક્ત 19 દેશોના લોકોને જ આપવામાં આવતા હતા. આ દેશો બેલ્જિયમ, કેનેડા, સાયપ્રસ, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, હોંગકોંગ, આયર્લેન્ડ, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન, તાઇવાન અને યુનાઇટેડ કિંગડમ છે. હવે તેમાં વધુ ત્રણ દેશોનો ઉમેરો થયો છે. ભારત ઉપરાંત ચીન અને વિયેતનામના લોકોને પણ બેકપેકર્સ વિઝા આપવામાં આવશે. પરંતુ આ વિઝા દરેકને નહીં પરંતુ લોટરીના આધારે આપવામાં આવશે.
વિઝા ઉપરાંત પણ ભારત માટે ઘણી જાહેરાત
ઓસ્ટ્રેલિયાના બજેટમાં ભારત માટે ઘણી વધુ સુવિધાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ભારતીય ઉદ્યોગપતિઓ માટે વિઝાની મહત્તમ અવધિ ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવી છે. બજેટ ભાષણમાં નાણાપ્રધાન જિમ ચેલમર્સે જણાવ્યું હતું કે સમયગાળો લંબાવવાથી વેપારીઓને વાટાઘાટો અને સહકાર માટે વધુ સમય મળશે. દર વર્ષે ઓસ્ટ્રેલિયા ચોક્કસ સંખ્યામાં લોકોને અહીં રહેવા માટે કાયમી વિઝા આપે છે. આ વર્ષે આ સંખ્યા એક લાખ 85 હજાર નક્કી કરવામાં આવી છે, જેમાંથી એક લાખ 32 હજાર વિઝા સ્કિલ્ડ વર્કર્સને આપવામાં આવશે. ભારતીયોને પણ આનો ઘણો ફાયદો થઈ શકે છે કારણ કે દર વર્ષે આ વિઝા મેળવનારાઓમાં મોટી સંખ્યામાં ભારતીયો જ હોય છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા અને સ્થાયી થયેલા વિદેશીઓમાં ભારતીયોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી રહી છે. ગયા જૂન સુધીની ગણતરી દર્શાવે છે કે દેશમાં આઠ લાખથી વધુ ભારતીયો રહે છે. 2022 અને 2023 વચ્ચે આ સંખ્યામાં એક લાખથી વધુનો વધારો થયો હતો. ઈંગ્લેન્ડ પછી વિદેશી મૂળના લોકોનો આ બીજો સૌથી મોટો સમૂહ છે.