બ્રિટનની ઋષિ સુનક સરકાર ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપવા જઈ રહી છે,સરકારની માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રૂટ બંધ કરવા પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને આ રિપોર્ટ આજે મંગળવારે સુનક કેબિનેટમાં રજૂ કરવામાં આવનાર છે.
જો તેની જોગવાઈઓ લાગુ કરવામાં આવશેતો દર વર્ષે લગભગ 91 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન વિઝા રૂટ દ્વારા પ્રવેશ મેળવી શકશે નહીં.
હાલમાં, દર વર્ષે લગભગ 1 લાખ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓ આ રીતે પ્રવેશ મેળવે છે તે બંધ થશે અને કટ બાદ માત્ર 39 હજાર વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકશે.

આપને જણાવી દઈએ કે 2021 માં શરૂ થયેલ ગ્રેજ્યુએશન વિઝા રૂટ ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.

25 લાખ ભારતીયોમાં નારાજગી

સરકારના આ આયોજન બાદ વિપક્ષી લેબર પાર્ટીના પ્રમુખ કીથ સ્ટ્રેમરનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય ચૂંટણી વર્ષમાં મોંઘો પડશે.
કારણ કે બ્રિટનમાં રહેતા 25 લાખ ભારતીય મતદારો નારાજ છે. સ્ટુડન્ટ્સને ગ્રેજ્યુએશન વિઝા મળવાથી તેમનો ઈમિગ્રેશન ક્લેઈમ મજબૂત બને છે, કારણ કે બે વર્ષના અભ્યાસ માટે રોકાવાની છૂટ મળવાથી આ વિદ્યાર્થીઓને સ્કીલ્ડ વર્કરની કેટેગરી મળે છે.
લગભગ 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓ અહીં મેડિસિન, એન્જિનિયરિંગ અથવા કાયદાનો અભ્યાસ કરવા આવે છે અભ્યાસ પછી, તેઓ તેમના વિસ્તૃત રોકાણ દરમિયાન કુશળ કામદારનો પગાર મેળવે છે.

બ્રિટનના ગૃહમંત્રી જેમ્સ ક્લેવરલીનું કહેવું છે કે એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ આ વિઝાનો ઉપયોગ ઈમિગ્રેશન મેળવવા માટે કરે છે.

બ્રિટનને 2 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડશે

ત્રણ વર્ષ પહેલા અહીં 6 લાખ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ અંગે પૂર્વ શિક્ષણ મંત્રી નિક્કી મોર્ગનનું કહેવું છે કે આનાથી દર વર્ષે 2 લાખ કરોડ રૂપિયાની ફી મળતી બંધ થશે,જેની સીધી અસર અર્થવ્યવસ્થા પર પણ પડશે.
સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીના ચાન્સેલર સેલી મેપસ્ટોન કહે છે કે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ એન્જિનિયરિંગની નોકરીઓમાં યોગદાન આપે છે. 2021માં બ્રિટન જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 87045 હતી, જે 2022માં વધીને 139700 થઈ ગઈ હતી અને 2023 માં,130,000 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બ્રિટન આવ્યા હતા.

ગ્રેજ્યુએટ રૂટ વિઝા શું છે?

ગ્રેજ્યુએટ રૂટ વિઝા હેઠળ, યુકેમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા સ્ટુડન્ટસને આંતરરાષ્ટ્રીય દેશમાં કામ કરવા, રહેવા અથવા કામ શોધવા માટે અરજી કરી શકે છે.
આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી બ્રિટનમાં રહેવા માટે અરજી કરી શકે છે, જ્યારે પીએચડી વિદ્યાર્થીઓ 3 વર્ષ સુધી બ્રિટનમાં રહેવા માટે અરજી કરી શકે છે.
જુલાઇ 2021માં તત્કાલિન ગૃહમંત્રી પ્રિતિ પટેલ દ્વારા ગ્રેજ્યુએટ રૂટ વિઝાનો અમલ કરવામાં આવ્યો હતો. 176,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેજ્યુએટ રૂટ વિઝામાંથી 42 ટકા ભારતીય નાગરિકો છે આવા સમયે જો આમાં કોઈપણ ફેરફાર ભારતીય વિદ્યાર્થીઓ પર ભારે અસર કરશે.