પાકિસ્તાનના કબ્જા હેઠળના પીઓકેમાં ફાટી નીકળેલી મોંઘવારી મામલે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ દેખાવો થયા જેમાં કેટલાક નેતાઓની ધરપકડ થતા જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી દ્વારા બંધનું એલાન અપાયા બાદ હિંસા ફાટી નીકળી હતી.

પીઓકેના સમહાની, સેહંસા, મીરપુર, રાવલકોટ, ખુઇરત્તા, તત્તાપાની, હટ્ટિયન બાલામાં વિરોધ પ્રદર્શનો થયા હતા.

મુઝફ્ફરાબાદ અને મીરપુર વિભાગના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા ઘણા નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવ્યા બાદ JKJAC એ હડતાળનું આહ્વાન કર્યું હતું.

સ્થાનિક લોકોએ પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

પાકના અનધિકૃત કબ્જા હેઠળના પીઓકેના મીરપુર જિલ્લામાં નાગરિકો કરવેરામાં વધારો,વધતી મોંઘવારી અને વીજળીના દરમાં કરાયેલા વધારાનો વિરોધ કરી રહયા છે અને લોકો સંખ્યામાં રસ્તા પર ઉતરી આવતા ભારે અફરા તફરી મચી ગઇ હતી.
આ પહેલા પોલીસે શુક્રવારે 70થી વધુ નેતાઓની ધરપકડ કરતા મામલો વધુ ગરમાયો હતો અને લોકો રસ્તા પર ઉતરી દેખાવો કરતા કેટલાક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસે ટોળાને કાબુમાં લેવા ટીયર ગેસના શેલ છોડતા નજીકમાં આવેલી શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ હતી.

પીઓકેમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ બંધનું એલાન જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી દ્વારા અપાયા બાદ લોકોએ પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની રાજધાની મુઝફ્ફરાબાદમાં પોલીસ કાર્યવાહીના વિરોધમાં અપાયેલા બંધ દરમિયાન વેપારી સંસ્થાઓ બંધ રહી હતી, જેના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
લોકોએ પથ્થરમારો કરતા પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.