આજે અક્ષય તૃતીયાનું પાવન પર્વ દેશભરમાં મનાવાઈ રહ્યું છે ત્યારે આજના દિવસથી ચાર ધામ યાત્રાની શરૂઆત સાથે બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની ઉપસ્થિતીમાં કેદારનાથ ધામ ના કપાટ ખોલવામાં આવ્યા હતા.
કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામને ભવ્ય રીતે ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
કેદારનાથ મંદિરને 20 ક્વિન્ટલથી વધુ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

આજે અખાત્રીજના પર્વના દિવસે સવારે બરાબર 7:15 કલાકે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોળીની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી

કેદારનાથ ધામના દરવાજા સવારે સાત વાગે શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલી દેવામાં આવ્યા છે.
આ દરમિયાન હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.
બાબા કેદારની પંચમુખી ડોલી હજારો ભક્તોના જયઘોષ સાથે કેદારનાથ પહોંચી છે.

કેદારનાથ ધામના કપાટ ખુલવા સમયે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહયા હતા તેઓએ કેદારનાથ ધામમાં પ્રભુના દર્શન કરી દેશ અને રાજ્યના તમામ લોકોના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બાબા કેદારના દર્શન કરવા આવેલા ભક્તોનું પણ સ્વાગત કર્યું હતું.

કેદારનાથ મંદિર પરિસરમાં ચાલી રહેલા ભંડારામાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો.
હાલમાં ચાર ધામમાં દિવસ દરમિયાન તાપમાન 0 થી 3 ડિગ્રી રહે છે અને રાત્રે તાપમાન માઈનસ થઈ જાય છે.
હાલમાં ચાર ધામમાં 11 હજારથી વધુ ભક્તો હાજર છે.
ગૌરીકુંડ સુધી ભક્તો જોવા મળી રહયા છે.
બાબા કેદારના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
આજે કેદારનાથ ધામના દ્વાર ખુલ્યા બાદ યમુનોત્રી ધામના દરવાજા સવારે 10.29 કલાકે અને ગંગોત્રી ધામના દરવાજા 12.25 કલાકે ખુલવાના સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.
જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે.