ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમના પ્રાઈવેટ સેક્રેટરીના ઘરે કામ કરતા એક નોકરના ઘરેથી મોટી માત્રામાં કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે.
રાંચીમાં એક જૂના કેસની તપાસ કરી રહેલી EDને આ મોટી સફળતા મળી છે.
રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના નોકરના ઘરે દરોડા પાડીને મોટી રકમની રોકડ જપ્ત કરી છે.
પ્રારંભિક માહિતી અનુસાર, EDએ નોકરના ઘરેથી લગભગ રૂ. 20 થી 30 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે.
આ સિવાય આ જ ઘરમાં અન્ય એક જગ્યાએથી પણ 3 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે.
મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન આલમગીર આલમનું નામ સામે આવ્યું હતું.
EDને માહિતી મળી હતી કે આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા તેમના નોકરોના ઘરે જઈ રહ્યા છે.
જે માહિતીના આધારે મંત્રીના ખાનગી સચિવના નોકરના ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.
જ્યારે EDના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને સહેજ પણ અંદાજ ન હતો કે 15,000 રૂપિયા પગાર મેળવનાર વ્યક્તિના ઘરેથી આટલી રોકડ મળી આવશે.
જોકે,મોટી રકમ મળતા અધિકારીઓએ નોટ ગણવાના મશીન અને કર્મચારીઓને બોલાવવા પડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં EDએ 10,000 રૂપિયાની લાંચ પ્રકરણમાં ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા, તે વખતે લાંચની આ રકમ મંત્રી સુધી પહોંચાડવામાં આવતી હોવાની વાત સામે આવી હતી જે બાદ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમનું નામ પ્રથમ વખત ખુલતા આ તપાસનો રેલો આલમગીરના અંગત સચિવ સંજીવ લાલ સુધી પહોંચ્યો હતો અને તપાસ દરમિયાન સંજીવ લાલના ઘરમાં કામ કરતા નોકર સુધી તપાસ પહોંચી હતી અને માહિતી બાદ રેડ કરતા આટલી મોટી રોકડ મળી આવી છે.