ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન આગામી તા.7મી મેના રોજ છે અને હાલમાં સૌની નજર રાજકોટ બેઠક ઉપર ટકેલી છે.
ગુજરાતમાં રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ચૂંટણી લડી રહયા છે.
એક તરફ રૂપાલા કડવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા છે જ્યારે તેમની સામે લેઉઆ પાટીદાર સમાજના પરેશ ધાનાણી પણ કોંગ્રેસના પીઢ નેતા છે.
અહીં રૂપાલાની સામે ધાનાણી વચ્ચેનો ચૂંટણીજંગ રસપ્રદ બની રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પરશોતમ રૂપાલાથી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે જેથી લેઉઆ પાટીદાર મતની સાથે ક્ષત્રિય સમાજના મત કોંગ્રેસને મળી શકે છે. કોંગ્રેસની કોર વોટ બેંક 30-40% છે જે તેમની સાથે છે. ક્ષત્રિય અને ઈતર સમાજનો સાથ કોંગ્રેસને મળે તો અહીંની ચૂંટણી ભાજપ માટે પડકાર બની શકે તેમ હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.
અહીં ભાજપ-કોંગ્રેસ નહિ પણ જ્ઞાતિના સમીકરણો અને ક્ષત્રિય આંદોલન અને બે નેતાઓના વ્યક્તિગત પાસાઓ વચ્ચે જંગ છેડાશે.
મહત્વનું છે કે અગાઉ પરેશ ધાનાણી 2002માં પરશોતમ રૂપાલાને ચૂંટણીમાં હરાવી ચુક્યા છે.
અમરેલી વિધાનસભામાં ધનાણીએ રૂપાલાને હરાવ્યા હતા.
ત્યારબાદ 2012માં પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને પણ હરાવ્યા હતા. 2017માં ધાનાણીએ બાવકુ ઉંધાડને પણ હરાવ્યા હતા.
આમ, ભાજપના 3 મોટા નેતાઓને હરાવનાર ધાનાણી અને રૂપાલાની ફરી રાજકોટ બેઠક ઉપર ટક્કર થનાર છે જેના ઉપર સૌની નજર છે.
રાજકોટમાં લેઉવા પાટીદારોના મત 3 લાખ 50 હજાર 867 છે જ્યારે
કડવા પાટીદારોની વોટબેંક 1 લાખ 91 હજાર 535 છે તેમજ દોઢ લાખ ક્ષત્રિય મતદાર અન્ય મતદારોની સંખ્યા ચાર લાખ છે આવી સ્થિતિમાં ભાજપ માટે પડકાર ઉભો થયો છે.
હાલમાં ક્ષત્રિય આંદોલનના કારણે રાજકોટ લોકસભા બેઠકમાં અન્ય 210 બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સાથે રાજકોટ મતવિસ્તારમાં સંવેદનશીલ બૂથની કુલ સંખ્યા હવે 1000ને પાર થઈ ગઈ છે.
સંવેદનશીલ બૂથમાં પોલીસ, પેરા મિલિટરી ફોર્સ અને માઇક્રો ઓબ્ઝર્વર્સની હાજરી રહેશે. વહીવટીતંત્રે 1032 સંવેદનશીલ મતદાન મથકો પર 12 કંપનીઓને તૈનાત કરવાની દરખાસ્ત કરી છે.
રાજકોટ બેઠકમાં કુલ 2232 મતદાન કેન્દ્રો છે. 1150 બૂથ પરથી વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.
આમ, ક્ષત્રિય આંદોલન વચ્ચે રાજકોટ બેઠક ઉપર બે મોટા ગજાના નેતાઓની ટક્કર ભારે રસપ્રદ બની રહેશે.
બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય હોવાને કારણે ગુજરાતની લોકસભા ચૂંટણી ઉપર સૌની નજર હોય છે અને આમ જોવા જઈએ તો પાછલી બે ટર્મથી રાજ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ તેનો ધાર્યો સ્કોર મેળવવામાં સફળ રહ્યો છે ત્યારે આ વખતે 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો સ્કોર ભાજપ પ્રાપ્ત કરશે કે કેમ તે અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.