ભારતમાં પર્યાપ્ત રોજગારી નહિ મળવાને કારણે આજના યુવાનો પૈસા ખર્ચીને વિદેશમાં પૈસા કમાવા જાય છે પણ વિદેશમાં સ્ટુડન્ટ વિઝા ઉપર રોજગારી માટે જતા યુવકોની હત્યાના બનાવો વધી ગયા છે.
ભારતના પાનીપતના રહેવાસી ચિરાગની 13 એપ્રિલે કેનેડાના વેનકુવરમાં હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી આ ઘટનાને પગલે ભારતમાં રહેતા ચિરાગના પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મૃતક ચિરાગના મૃતદેહનું કેનેડામાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મૃતદેહને એરપોર્ટ મોકલવામાં આવ્યો છે,ત્યાંથી તે સોમવારે ભારત પહોંચી શકે છે.
ચિરાગના અંતિમ સંસ્કાર મંગળવારે બદૌલી ગામમાં યમુના ઘાટ પર કરવામાં આવશે. પરિવાર વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્કમાં છે. મૂળ બદૌલી ગામના સેક્ટર-12ના રહેવાસી રોમિત અંતિલે જણાવ્યું કે તેનો ભાઈ ચિરાગ એમબીએનો અભ્યાસ કરવા કેનેડા ગયો હતો. હવે તે વર્ક વિઝા પર સિક્યુરિટી કંપનીમાં કામ કરતો હતો. વાનકુવર પોલીસે તેમને મેઈલ દ્વારા જાણ કરી હતી કે તમારા ભાઈ ચિરાગ અંતિલની વાનકુવરમાં હત્યા કરવામાં આવી છે.
વિદેશમાં પુત્રની હત્યાની માહિતી મળતાં માતાની હાલત ખરાબ થઈ ગઈ છે. પરિવારજનોનું કહેવું છે કે તે ઘણીવાર બેભાન થઈ જતી હતી. પિતા, ભાઈ અને કાકા મૃતદેહને ભારત લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે વાનકુવર પોલીસે ત્યાંના પત્રકારોને કહ્યું કે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.