ત્રિદિવસીય વાયબ્રન્ટ સમિટનો 10 મી જાન્યુઆરી-2022 ના રોજ પ્રારંભ થશે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે ઓસ્ટ્રેલિયાને ભાગીદાર દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર તેની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા નિવેદન અપાયું હતુંકે અમને જાહેર કરતાં આનંદ થાય છે કે ઓસ્ટ્રેલિયા આગામી વર્ષે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં ભાગીદાર દેશ છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ઓસ્ટ્રેલિયા સાથે પરસ્પર આદર અને દ્વિપક્ષીય વેપાર સંબંધોના આધારે મજબૂત મિત્રતા ધરાવે છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા જણાવતાં કહ્યું હતું કે આગામી 10 જાન્યુઆરીએ દેશના વડાપ્રધાનના હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન થશે. 11 જાન્યુઆરીએ વડાપ્રધાનની વિઝનરી યોજના ‘ગતિશક્તિ યોજના’ હેઠળ ગુજરાતને કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રકચરલ તેમજ ઇન્વેસ્ટમેન્ટ દૃષ્ટિકોણથી વધુ ને વધુ લાભ મળે એની કાર્યરીતિ ઘડાશે.
રાજીવ ગુપ્તાએ ઉમેર્યું હતું કે 12 જાન્યુઆરીએ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ, વધુ ને વધુ રોજગારી તેમજ ટેકનોલોજી થકી વેલ્યુ એડિશન થાય એ સહિતના વિષય પર વિસ્તૃત ચર્ચા કરાશે અને ત્યાર બાદ વાઇબ્રન્ટ સમિટનું સમાપન કરવામાં આવશે.