ઈઝરાયેલે સીરિયામાં કરેલા ઈરાની દૂતાવાસ પર હુમલામાં કુદ્સ ફોર્સ કમાન્ડરનું મોત થઈ જતા હવે આ હુમલાથી ઈરાન નારાજ છે અને. રમઝાન મહિનામાં જ તે ઇઝરાયલ ઉપર હુમલો કરી શકે છે.

અમેરિકન અધિકારીઓનું માનવું છે કે ઈરાન રમઝાનના અંત પહેલા ઇઝરાયલ ઉપર વળતો હુમલો કરી બદલો લઈ શકે છે.
ઇરાને આ મામલે અમેરિકાને દૂર રહેવા ચેતવણી સાથે સલાહ આપી છે
વિગતો મુજબ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

અમેરિકન અધિકારીઓનું માનવું છે કે સીરિયામાં દૂતાવાસ પર થયેલા હુમલા બાદ ઈરાન બદલો લઈ શકે છે. દૂતાવાસના હુમલામાં તેનો એક ટોચનો કમાન્ડર માર્યો ગયો હતો.
હવે યુએસ ઈન્ટેલિજન્સનું માનવું છે કે ઈરાન રમઝાનના અંત પહેલા મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ કે અમેરિકન ઠેકાણાને નિશાન બનાવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.1 એપ્રિલે ઈઝરાયેલે સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર F-35 જેટથી બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં કુદ્સ ફોર્સના કમાન્ડર જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદી માર્યા ગયા હતા.
આ હુમલા પર માત્ર ઈરાન જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જો બિડેન પ્રશાસનના બે અધિકારીઓએ ઈરાન તરફથી જવાબી હુમલાની શક્યતા વ્યક્ત કરી છે.
અધિકારીઓનું કહેવું છે કે ઈરાનનો ટાર્ગેટ ઈઝરાયેલ અથવા અમેરિકન સૈન્ય અથવા ગુપ્તચર થાણા હોઈ શકે છે.
અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે અમેરિકા દ્વારા ઈરાનના કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપશે.

બીજી તરફ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ જમશીદીએ X પર યુએસ નેતૃત્વને ચેતવણી આપી આ મામલામાં દૂર રહેવા સલાહ આપી છે.

ઈરાન દ્વારા સંભવિત હુમલાને જોતા ઈઝરાયેલ પણ એલર્ટ પર છે. ઈઝરાયેલે જીપીએસ નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે આ ગાઈડેડ મિસાઈલોને રોકી શકે છે.આ સિવાય તમામ સૈનિકોની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને એર ડિફેન્સ કમાન્ડને એલર્ટ પર રાખવામાં આવી છે. લોકોને ગભરાવાની જરૂર નથી અને ઘરે ઘરે જરૂર કરતાં વધુ રાશન એકઠું કરવા કહેવામાં આવ્યું છે.