રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવાનું ભારે પડ્યું છે અને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર
ક્ષત્રિય સમાજની મુખ્ય કચેરી બહાર પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન
કરવામાં આવ્યું છે,સમાજમાં હવે ગુસ્સો છે કે ઇતિહાસ જાણ્યા વગર કોઈ સમાજને બદનામ કેવી રીતે કરી શકાય?લોકતંત્રની રચનામાં જ અખંડ ભારતના નિર્માણમાં રાજવીઓ અને જાગીરદારોનું યોગદાન રહેલું છે જેને ઇચ્છીને પણ કોઈ અવગણી શકે નહીં કારણ કે પોતાની મિલકત અને રૂપિયા પ્રજા માટે દાન કરાયા હતા તેમછતાં તે વાતની નોંધ કોઈ લેતું કેમ નથી અને વિવાદિત વાતો ઉભી કરી સમાજની કેમ બદનામી કરવામાં આવે છે?તે સામે સમાજમાં ગુસ્સો છે.
બીજી તરફ ક્ષત્રિય સમાજનું કહેવું છે કે ભારતના ઇતિહાસમાં નાના મોટા રજવાડાઓ અને પોતાની માતૃભૂમિ અને ગાયો-અબળાઓ તેમજ રૈયત માટે ખપી જનારા ક્ષત્રિયોના બલિદાનો લોકો રાસડા,લોકગીતો થકી આજેપણ યાદ કરે છે અને જ્યારે અંગ્રેજો ગયા ત્યારે આજ રાજાઓએ અખંડ ભારતના નિર્માણ માટે પોતાની તમામ મિલકતો અને હક્કો જતા કરી દઈ લોકતંત્રના નિર્માણમાં ફાળો આપ્યો હોવા છતાં આજે વારંવાર ખોટી રીતે ક્ષત્રીય સમાજને ઉતારી પડવાના પ્રયાસો થઈ રહયા છે.
હવે આવું નહી ચલાવી લેવાય હવે સમાજ એક થયો છે અને પરસોતમ રૂપાલા જેવા જવાબદાર વ્યક્તિ એ જાહેર મંચ ઉપર થી ક્ષત્રિય પરિવારની બહેન દીકરીઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા સમાજમાં રોષ ફેલાયો છે અને રોટી-બેટી જેવા શબ્દો થી લાલઘૂમ સમાજે પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ભાજપ સામે નહિ પણ રૂપાલા સામે વાંધો હોવાનું જણાવી તેની ટીકીટ રદ કરવા માંગ ઉઠી છે.
સાથે સાથે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરુસોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન સામે લીગલ એક્શન લેવા પણ માંગ ઉઠી છે તેમની વિરુદ્ધ અરજી પણ થઇ છે. કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં બદનક્ષીની અરજી કરી છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યાના આક્ષેપ સાથે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં અરજી પર સુનાવણી થશે.