દેશમાં ન્યાય તંત્ર નબળું પડી રહયુ હોવા મામલે અને એક જૂથના પ્રભાવમાં હોવા અંગે ગંભીર આક્ષેપ સાથે વકીલોના જૂથે ચિંતા વ્યક્ત કરી સવાલો ઉઠાવ્યા છે. વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહિત દેશના 600 થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખી જણાવ્યું છે કે એક વિશેષ જૂથ દ્વારા દેશમાં ન્યાયતંત્રને નબળું પાડવા પ્રયાસો શરૂ થયા છે.
દેશના લોકતાંત્રિક બંધારણ અને ન્યાયિક પ્રક્રિયામાં લોકોના વિશ્વાસ માટે ખતરો ઉભો થયો છે.
વકીલોનો આરોપ છે કે નેતાઓ કોઈ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે અને પછી કોર્ટમાં તેમનો બચાવ કરે છે તે વિચિત્ર છે. આવી સ્થિતિમાં જો કોર્ટનો નિર્ણય તેમની ઈચ્છા મુજબ ન આવે તો તેઓ કોર્ટની અંદર અથવા મીડિયા દ્વારા કોર્ટની ટીકા કરવાનું શરૂ કરી દે છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે ચોક્કસ તત્વો ન્યાયાધીશોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા કેટલાક પસંદગીના કેસોમાં તેમના પક્ષમાં નિર્ણય આપવા માટે ન્યાયાધીશો પર દબાણ લાવી રહ્યા છે.
આ બધું સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણા ફેલાવીને કરવામાં આવી રહ્યું છે. તેમના આ પ્રયાસો વ્યક્તિગત અથવા રાજકીય કારણોસર અદાલતોને પ્રભાવિત કરવાના પ્રયાસો છે, જેને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.
આ વકીલોનો આરોપ છે કે ચૂંટણીઓ વખતે આ ખાસ જૂથો સક્રિય થઈ જાય છે.
2019ની લોકસભા ચૂંટણીમાં પણ આજ પદ્ધતિ જોવા મળી હતી. જેથી સુપ્રીમ કોર્ટને વિનંતી કે દેશની અદાલતોને બચાવવા માટે કડક અને નક્કર પગલાં ભરવા જોઈએ.

રાજકીય દબાણને કારણે ન્યાયતંત્ર જોખમમાં હોવાનું જણાવાયું છે. રાજકીય દબાણથી ન્યાયતંત્રનું રક્ષણ કરવાનું શીર્ષક ધરાવતા આ પત્રને લઈ દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે.