અમેરિકાએ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે સવાલ ઉઠાવ્યા છે અને આ મામલે તેઓ નજર રાખી રહ્યા હોવાનું જણાવ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમેરિકા અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના મામલા પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
અમેરિકી રાજદ્વારીને બોલાવવા પર મિલરે બુધવારે કહ્યું કે અમે ન્યાયી, પારદર્શક, સમયસર કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરીએ છીએ. અમને નથી લાગતું કે આની સામે કોઈને કોઈ વાંધો હોવો જોઈએ.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી છે. હાલમાં કેજરીવાલ EDની કસ્ટડીમાં છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ એક દિવસ પહેલા કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી. આ પછી, ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે દિલ્હીમાં યુએસ મિશનના કાર્યકારી નાયબ ચીફ ગ્લોરિયા બાર્બેનાને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો હતો અને આ ટિપ્પણીને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ગણાવી હતી.

વોશિંગ્ટનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટની પ્રેસ બ્રીફિંગ દરમિયાન, નવી દિલ્હીમાં યુએસ મિશનના કાર્યકારી નાયબ વડા, ગ્લોરિયા બાર્બેનાને બોલાવવા અને કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવા અંગે મિલરે જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસ પાર્ટીના આક્ષેપોથી પણ વાકેફ છીએ કે ટેક્સ સત્તાવાળાઓએ તેમના કેટલાક બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે, જેના કારણે આગામી ચૂંટણીમાં અસરકારક રીતે પ્રચાર કરવો પડકારજનક છે.
અમે દરેક કેસમાં ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરીએ છીએ.

આ પહેલા વિદેશ મંત્રાલયે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાની ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે મુત્સદ્દીગીરીમાં અન્ય દેશો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ અન્યની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરે. અમેરિકા જેવા લોકશાહી દેશની આવી બાબતોમાં વધુ જવાબદારી છે.
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે ભારતની કાનૂની પ્રક્રિયા સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે, જે ઉદ્દેશ્ય અને સમયસર પરિણામો માટે પ્રતિબદ્ધ છે. તેના પર સવાલ ઉઠાવવો અયોગ્ય છે.
આમ,અમેરિકાએ અરવિંદ કેજરીવાલ સામે થઈ રહેલી કાર્યવાહી અને ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ખાતા ફ્રીજ કરવા જેવી બાબતોમાં સવાલ ઉઠાવ્યા છે.